આ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલના પ્લે ઓફ્સમાંથી બહાર થઈ જનારી પહેલી ટીમ હતી અને ટીમના લગભગ કંગાળ કહી શકાય તેવા દેખાવ સાથે લીગ સ્ટેજ પુરો થયા પછી સાતમા ક્રમે રહી હતી. ચેન્નાઈના એક મહત્ત્વના ખેલાડી, ઓસ્ટ્રેલિયાના નિવૃત્ત ક્રિકેટર શેન વોટસને પણ ટીમની આ સીઝન પુરી થયાની સાથે જ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી 2016માં વિદાય લીધા પછી વોટસને દુનિયાભારની લીગ ક્રિકેટમાં રમવાનું શરૂ કર્યું હતું. જો કે, આઈપીએલ સાથે તો એ પહેલેથી જ સંકળાયેલો હતો. આ સીઝનમાં વોટસનનો દેખાવ પણ નબળો રહ્યો હતો અને 11 મેચમાં તેણે 29.90ની એવરેજથી ફક્ત 299 રન કર્યા હતા. તે 2018મા ચેન્નઈની ટીમ સાથે જોડાયો એ પહેલા રાજસ્થાન રોયલ્સ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર માટે રમી ચૂક્યો હતો. રાજસ્થાનની ટીમ 2008મા આઈપીએલની પ્રથમ વર્ષની ચેમ્પિયન બની હતી ત્યારે વોટસન એ ટીમનો સભ્ય હતો. 2018માં ચેન્નાઈ ટાઈટલ વિજેતા બની ત્યારે ફાઈનલમાં વોટસને સદી કરી હતી.
