અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને ઇન્ડિયન અમેરિકન બિઝનેસ અગ્રણી શમિના સિંહની પ્રેસિડેન્ટની એક્સપોર્ટ કાઉન્સિલમાં નિમણૂકની જાહેરાત કરી હતી. આ કાઉન્સિલ આંતરરાષ્ટ્રીય વ્યાપારના ક્ષેત્રમાં એક મુખ્ય રાષ્ટ્રીય સલાહકાર સમિતી તરીકે કાર્ય કરે છે.
શમિના સિંહ માસ્ટરકાર્ડ સેન્ટર ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથનાં સ્થાપક અને પ્રેસિડેન્ટ છે. તેમણે જણાવ્યું હતું કે, આ કાઉન્સિલમાં જોડાવાથી તેઓ સન્માનની લાગણી અનુભવી રહ્યા છે. 14 જુલાઇના વ્હાઇટ હાઉસના એક નિવેદન મુજબ, પ્રેસિડેન્ટ બાઇડેને શમિના સિંહને એક મુખ્ય ભૂમિકા માટે નિમણૂક કરવાનો ઇરાદો જાહેર કર્યો હતો. આ કાઉન્સિલ પ્રેસિડેન્ટને સરકારી નીતિઓ અને કાર્યક્રમો, તેની અમેરિકન વ્યાપાર પર અસર, નિકાસ વિસ્તરણને ઉત્તેજન આપવા અને બિઝનેસ, ઔદ્યોગિક, કૃષિ વિષયક, શ્રમ તેમ જ સરકારી ક્ષેત્રની બાબતો પર પ્રેસિડેન્ટને સલાહ આપવાનું કામ કરે છે. શમિના સિંહ માસ્ટરકાર્ડની મેનેજમેન્ટ કમિટીમાં પણ સભ્ય છે. બાઇડેન એડમિનિસ્ટ્રેશનમાં મહત્ત્વની જવાબદારીમાં કાર્યરત ઇન્ડિયન અમેરિકન લોકોની સંખ્યા 150થી વધુ છે.