ઓસ્ટ્રેલિયા સામે 20 સપ્ટેમ્બરથી ચાલુ થઈ રહેલી ટી-20 સિરિઝ પહેલા જ ભારતની ટીમને ફટકો પડ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર મહોમ્મદ શામી કોરોનાના કારણે આખી સિરિઝ ગુમાવશે. તેની જગ્યાએ ભારતના ક્રિકેટ બોર્ડે ઉમેશ યાદવને ટીમમાં સ્થાન આપ્યુ છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કહ્યું હતું કે, મહોમ્મદ શામી કોરોનાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન ડેની સિરિઝ નહીં રમી શકે અને પસંદગી સમિતિએ ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
શામીને આગામી ટી 20 વર્લ્ડ કપ માટે પણ રીઝર્વ ખેલાડીઓના લિસ્ટમાં રાખવામાં આવ્યો છે.બીજી તરફ ઉમેશ યાદવ પગમાં ઈજાના પગલે કાઉન્ટી ક્રિકેટ છોડીને ભારત પરત આવવા માટે નીકળી ગયો હતો. ઉમેશ યાદવ છેલ્લે 2019માં ભારત વતી ટી 20 મેચ રમ્યો હતો. ઉમેશ યાદવ ભારત માટે સાત ટી-20 મેચ રમ્યો છે
20 સપ્ટેમ્બરથી મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે 3 મેચોની T20 સીરિઝ રમાવાની છે. 34 વર્ષના પેસર ઉમેશ યાદવે 24 ફેબ્રુઆરી 2019માં એટલે કે સાડા ત્રણ વર્ષ પહેલા ભારત માટે અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. જો તેને પ્લેઈંગ 11માં તક મળે છે તો મેન ઈન બ્લુ માટે 43 મહિના પછી T20 મેચ રમશે.
શામીને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં રમીને કમબેકની તક મળી રહી હતી. શામી છેલ્લે ગયા વર્ષે ભારતીય ટીમ માટે T20 વર્લ્ડકપમાં રમ્યો હતો. પરંતુ તેને આ ફોર્મેટમાં વધારે તક મળી નથી. શામીએ ભારત માટે માત્ર 17 T20 મેચ રમી છે, જેમાં તેણે 18 વિકેટ લીધી છે. આ ફોર્મેટમાં તેણે વધારે પ્રભાવ છોડ્યો નથી. જોકે, તેમનું વનડે અને ટેસ્ટનું પરફોર્મન્સ જોઈને T20 ફોર્મેટમાં તક આપવામાં આવી હતી.