£13,000માં બોગસ લગ્ન કરાવી યુકેમાં રહેવા માટેના અધિકાર અપાવવા માટેની ઓફર કરતા આઈટીવી ડોક્યુમેન્ટરીના અન્ડર કવર ટીવી પત્રકારના સ્ટિંગ ઓપરેશનમાં પકડાયેલ સોલિસીટર ઝુલ્ફીકાર અલીને વકીલ તરીકે કામ કરવા પર સોલિસીટર ડીસીપ્લીનરી ટ્રિબ્યુનલે પ્રતિબંધ મૂક્યો હતો અને £26,500 ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
પાકિસ્તાની ઇમિગ્રન્ટનો સ્વાંગ સર્જીને આવેલા અંડરકવર પત્રકારને સોલિસીટર ઝુલ્ફીકાર અલીએ જણાવ્યું હતું કે તે બોગસ લગ્નની વ્યવસ્થા કરી શકે છે અને આ માટે કન્યાને ચૂકવવા અને યુકેમાં રોકાવા માટે તેણે £13,000 ચૂકવવા પડશે. બનાવટી લગ્ન જ આ દેશમાં ટકી રહેવાની ‘ઝડપી અને સરળ રીત છે. આ લગ્ન વાસ્તવિક છે એમ બતાવવામાં તેઓ હોમ ઑફિસના અધિકારીઓને સફળ રહેશે.
રિપોર્ટરે અલીની લંડન સ્થિત ઝેડએ સોલિસિટર લિમિટેડની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે ‘’મારા સ્ટુડન્ટ વિઝા છ મહિનામાં સમાપ્ત થવાના છે અને મારા માતાપિતા ઇચ્છે છે કે હું યુકેમાં જ રહુ. પરંતુ મારી પાસે ખરેખર કોઈ વિકલ્પ નથી અને સ્ટુડન્ટ વિઝા રીન્યુ કરાવવાનું મુશ્કેલ બનશે.’’
અલીએ પત્રકારને બોગસ લગ્ન માટે ‘સીધા આગળ વધતા પહેલા’ ડિગ્રી મેળવવાની અથવા એસાયલમ ક્લેઇમનો દાવો કરવાની સલાહ આપી હતી. એક રેકોર્ડિંગમાં અલી એમ કહેતા સંભળાયા હતા કે ‘તમારી પરિસ્થિતિમાં જે પણ વિઝા હોય તે પરંતુ લગ્ન એ સૌથી વાજબી રસ્તો હશે. તેમાં કોઈ ઝંઝટ થશે નહીં, તેમાં કોઈ શંકા નથી, તમે એક છોકરી શોધી કાઢો, પછી ભલે તે છોકરી પાકિસ્તાન જવાની હોય કે નહીં. તે પ્રમાણમાં, ઝડપી અને સરળ રીત છે.’’
‘અપ્રમાણિક’ વકીલે પોતાની જાતને વખાણતાં જણાવ્યું હતું કે ‘’હું જાણું છું કે હોમ ઑફિસ તમને કેવા પ્રશ્નો પૂછશે અને હું ‘પાંચ કે છ’ વકીલોમાંનો એક છું જે બોગસ લગ્ન કરાવવામાં મદદ કરી શકે છે. હું તમને બધી રીતે તૈયાર કરીને દસ્તાવેજો બનાવવામાં મદદ કરીશ. દંપતીએ ‘ટેકનીકલી’ એક સાથે રહેવું પડે અને ત્રણ વર્ષ પછી છૂટાછેડા લઈ શકે અને યુકે રેસીડેન્સી જાળવી શકશે. હું તો દરરોજ આ પ્રકારની અરજીઓ કરીને કેમ કામ કરવું તે જાણુ છુ.’
ટ્રિબ્યુનલમાં જણવાયું હતું કે ‘’તેમની કંપની સ્વૈચ્છિક નાદારીમાં ગયા પછી અલી હવે યુનિવર્સલ ક્રેડીટ પર છે અને તેણે ત્રણ મહિનાનું ભાડુ પણ ચૂકવવાનું બાકી છે.
અલીએ આ આરોપોને નકારી કાઢતા, દાવો કર્યો હતો કે તેમણે ‘શુભ આશયે’ કાનૂની વિકલ્પોની સલાહ આપી હતી અને 2015 માં ગુપ્ત પત્રકાર સાથેની બે બેઠક દરમિયાન ‘કાલ્પનિક’ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ‘’આઇટીવી ડોક્યુમેન્ટરી એક્સપોઝર: ધ શેમ મેરેજ રેકેટ’’ના ભાગ રૂપે આ મીટિંગ્સના ભાગોનું પ્રસારણ 2015માં કરવામાં આવ્યું હતું.
ટ્રિબ્યુનલે શોધી કાઢ્યું હતું કે અલીએ નકલી લગ્નમાં જોડાવાની સલાહ આપી યુકે ઇમિગ્રેશન સિસ્ટમની અવગણના કરવાના ઇરાદે સંબંધિત કાગળ તૈયાર કરવાની ઓફર કરી હતી.