
ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા ચાલુ મહિને બીજી વખત 50,000થી નીચી રહી હતી, જ્યારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 108 દિવસ બાદ પ્રથમ વખત 500થી નીચે રહી હતી, એમ આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે આઠ વાગ્યે અપડેટ કરેલા ડેટામાં જણાવાયું હતું.
મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં 45,148 નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને આશરે 79.09 લાખ થઈ છે, જ્યારે 480 વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક આશરે 1.19 લાખ થયો છે. દેશમાં અત્યાર સુધી આશરે 71.37 લાખ કોરોનાથી રિકવર થયા છે. તેનાથી રાષ્ટ્રીય રિકવરી રેટ વધીને 90.23 ટકા થયો છે. આ ઉપરાંત મૃત્યુદર પણ ઘટીને 1.50 ટકા થયો છે. હાલમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા આશરે સાત લાખ છે. સતત ચોથા દિવસે એક્ટિવ કેસની સંખ્યા 7 લાખથી નીચી રહી છે, જે કુલ કેસના આશરે 8.26 ટકા છે.
ભારતીય રિઝર્વ બેન્કના ના ગવર્નર શક્તિકાંત દાસે શનિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પણ હું આઇસોલેશનમાં મારૂ કામ ચાલુ રાખીશ. ગવર્નરને ગંભીર લક્ષણો નથી અને દવા આપવામાં આવી રહી છે.
