શક્તિકાંત દાસની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ગવર્નર તરીકે ત્રણ વર્ષની મુદત માટે ફરી વરણી કરવામાં આવી છે. આરબીઆઇના વડા તરીકે તેમની હાલની ટર્મ 10 ડિસેમ્બરના રોજ પૂરી થતી હતી. ભૂતપૂર્વ ગવર્નર ઊર્જિત પટેલે અચાનક રાજીનામું આપ્યા બાદ શક્તિકાંત દાસને આરબીઆઇના વડાની આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. દેશમાં નોટબંધી લાગુ કરાઈ તે સમયે દાસે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાલ દેશનું અર્થતંત્ર કોરોનાના ઓછાયામાંથી બહાર આવી પાટે ચઢી રહ્યું છે, ત્યારે સરકારે તેમને એક્સ્ટેન્શન આપવાનું નક્કી કર્યું છે.
64 વર્ષના શક્તિકાંત દાસે કોરોનાકાળ દરમિયાન લોકડાઉન તેમજ મંદ પડી ગયેલી ઈકોનોમીને ફરી ઉભી કરવા માટે વ્યાજદર ઘટાડવા સહિતના અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા હતા. હાલ કોરોના તો થંભી ગયો છે, પરંતુ અર્થતંત્રમાં મોંઘવારીના મારનું જોખમ સર્જાઈ રહ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબ્યા છે તેવામાં રિઝર્વ બેન્ક સામે પણ મોટા પડકાર ઉભા થઈ રહ્યા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ તેમજ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આ મહિને દેશની જીડીપી માર્ચના અંત સુધીમાં 9.5 ટકાના દરે વધશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જીડીપીમાં 7.3 ટકાનો ઘટાડો થયો હતો, ત્યારબાદ અર્થતંત્રમાં વી શેપ રિકવરી જોવા મળી છે.