ગુજરાતમાં ભારે અને અનિયમિત વરસાદ તથા પેટ્રોલ ડીઝલના ઊંચા ભાવને કારણે શાકભાજી અને અનાજના ભાવ આસમાને પહોંચ્યા છે. ડુંગળી અને ટામેટાં જેવા રોજિંદા વપરાશના શાકભાજીનો છૂટક બજારમાં ભાવ છેલ્લા થોડા અઠવાડિયામાં 40 ટકા જેટલો વધ્યો છે. સાથે જ લીલા શાકભાજીના ભાવમાં પણ આટલો જ વધારો નોંધાયો છે. મોટાભાગના શાકભાજી હાલમાં પ્રતિકિલો 100ના ભાવે વેચાય છે.
અમદાવાદ સ્થિત એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટિ (APMC) દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે, હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ 38 રૂપિયા કિલો છે, જે છૂટક માર્કેટમાં લગભગ ડબલ થઈ ગયો છે. છૂટક બજારમાં ડુંગળી 70 રૂપિયે કિલો વેચાય છે. આ જ પ્રકારે એક કિલો ટામેટાંનો ભાવ 90 રૂપિયા છે. ચોળી, ગવાર, ટીંડોળા અને રીંગણ જેવા શાકભાજીના પ્રતિ કિલો ભાવ પણ 100 રૂપિયાને પાર થયા છે. આ જ પ્રકારની અસર અન્ય શાકભાજી પર પણ જોવા મળી રહી છે. હાલનું સાયક્લોનિક વાતાવરણ ટામેટાના ભાવ વધવાનું એક કારણ છે. વરસાદના કારણે કડીમાં ઉગતો પાક એક મહિનો મોડો પાક્યો છે. જ્યારે ઈડરમાં તો પાક જ નિષ્ફળ ગયો છે. અમદાવાદની ટામેટાની જરૂરિયાત પૂરી કરવા માટે મહારાષ્ટ્રથી ટામેટા મગાવાયા છે. જોકે, ત્યાં પણ ભારે વરસાદના કારણે ટામેટાંની તંગી છે.
અમદાવાદ APMC તરફથી આપવામાં આવેલા આંકડા પ્રમાણે, 1 કિલો કોથમીરની હોલસેલ કિંમત 110 રૂપિયા છે જ્યારે રિટેલ કિંમત 260 રૂપિયા છે. 1 કિલો ચોળી હોલસેલ બજારમાં 100 રૂપિયે વેચાય છે જ્યારે રિટેલ બજારમાં 180 રૂપિયા ભાવ છે. આ જ રીતે 1 કિલો ગવારની કિંમત હોલસેલ બજારમાં 90 રૂપિયા છે જ્યારે રિટેલ બજારમાં 160 રૂપિયા છે. પરવળ હોલસેલ બજારમાં 55 રૂપિયે વેચાય છે જ્યારે રિટેલ બજારમાં 155 રૂપિયે. લીંબુ, રીંગણ, ટામેટાં અને મરચાંની હોલસેલ બજારમાં કિંમત અનુક્રમે 25, 35, 60 અને 15 છે જ્યારે આ શાકની રિટેલ બજારમાં કિંમત અનુક્રમે 130, 110, 90 અને 75 રૂપિયા છે. એક કિલો ડુંગળી હોલસેલ બજારમાં 38 રૂપિયે વેચાય છે જ્યારે રિટેલ બજારમાં 70 રૂપિયા કિંમત છે. ભીંડા અને દૂધીની એક કિલો કિંમત હોલસેલ બજારમાં અનુક્રમે 25 અને 55 છે જ્યારે રિટેલ બજારમાં આ બંને શાક 60 રૂપિયે કિલો વેચાય છે.