લેસ્ટર વિસ્તારમાં કેરહોમ બિઝનેસ કરતા શૈલેષભાઇ રાજાએ લેસ્ટરશાયરના હાર્બરો ડિસ્ટ્રિક્ટના ગ્રેટ ગ્લેન ક્રિમેટોરીયમ અને કાઉંટ્સથોર્પ ક્રિમેટોરીયમમાં ભગવાન શિવની સફેદ આરસની સંદર પ્રતિમાઓ મૂકીને મંદિર બનાવી હિન્દુ સમુદાયના લોકો જ્યારે પ્રિયજનોને ગુમાવવાનું દુઃખ અનુભવતા હોય ત્યારે તેમને શાંતિ મળે તેવું અદભૂત કાર્ય કર્યું છે.

શૈલેષભાઇ રાજાએ ગરવી ગુજરાતને એકસક્લુઝીવ મુલાકાત આપતાં જણા વ્યું હતું કે ‘’આપણે હિંદુઓ 50 વર્ષથી યુકેમાં રહેતા હોવા છતાં દિવંગત લોકોના આત્માને શાંતિ મળે તે માટે તેમજ તેમના પરિવારજનો સ્મશાન ગૃહમાં જ આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શકે એવી કોઇ વ્યવસ્થા ન હતી. 4 વર્ષ પહેલા ગ્રેટ ગ્લેન ક્રિમેટોરીયમ સાથે મળીને £20,000ના ખર્ચે ભગવાન શિવની પ્રતિમા મૂકી અમે આ શુભ કાર્યની શરૂઆત કરી હતી. તેમાંથી પ્રેરણા લઇને અમે કાઉંટ્સથોર્પ ક્રિમેટોરીયમમાં ભગવાન શિવની પ્રતિમા મૂકવા સંબંધિત સત્તાવાળાઓનો સંપર્ક કરતાં તેમણે આપેલી મંજૂરી બાદ અમે ત્યાં પણ ભગવાન શિવની પ્રતિમાની સ્થાપના કરી છે.’’

મૂળ જામજોધપૂરના વતની શૈલેષભાઇએ જણાવ્યું હતું કે ‘’લેસ્ટરશાયરના સાઉથ વિક્સટનના કાઉંટ્સથોર્પ ક્રિમેટોરિયમમાં 42 ઇંચની ઉંચાઇ ધરાવતી સફેદ આરસની 360 કિલો વજનની પ્રતિમા સ્થાપવામાં આવી છે. આ માટે આ વખતે £35,000નો ખર્ચ થયો છે. તા. 14મી મે’ના રોજ સવારે 11 કલાકે તેનો વિધિવત પ્રારંભ થશે અને તે પ્રસંગે અમે ભજન સત્સંગ અને પ્રસાદનું આયોજન પણ કર્યું છે. આ અમારો બીજો પ્રોજેક્ટ છે અને મારા ધારવા મુજબ આખા યુકેમાં આ માત્ર બે ક્રિમેટોરિયમ છે જ્યાં તમને શિવ પ્રતિમાઓના દર્શનનો લાભ મળે છે. અમારી આ સેવાઓથી પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઇ ઓઝા અને શ્યામભાઈએ પણ ખૂબ જ ખુશ થઇ આશિર્વાદ આપ્યા છે.’’

શ્રી રાજાએ કહ્યું હતું કે  “હું યુગાન્ડાથી આવું છું અને એક આધ્યાત્મિક કુટુંબમાંથી આવતો હોવાથી મેં વિચાર્યું હતું કે દેશના ક્રિમેટોરીયમમાં સમર્પિત હિન્દુ મંદિર તો હોવું જ જોઇએ અને તે સ્થાનિક સમુદાયની મહાન સેવા બની રહેશે. મેં સ્મશાન ગૃહનો સંપર્ક કર્યો ત્યારે મને વિશ્વાસ નહોતો કે તેઓ સંમત થશે. પરંતુ તેઓ ખૂબ જ સુલભ, મૈત્રીપૂર્ણ અને સહાયક રહ્યા હતા અને સંમત થયા હતા. કહેવાય છે કે ભગવાન શિવ સ્મશાનભૂમિના રહેવાસી છે ત્યારે તેમના દર્શન અને પ્રાર્થનાથી મોક્ષ મળે તે સુનિશ્ચિત છે. ગ્રેટ ગ્લેન સ્મશાનગૃહના મેનેજર હાર્વે વોટસને પણ આભાર અને અનંદ વ્યક્ત કર્યો હતો.’’