બોલિવુડ અભિનેતા શાહરુખ ખાનની ચાર વર્ષ બાદ 23 જાન્યુઆરીએ રીલિઝ થઈ રહેલી પઠાણ ફિલ્મ વધુ એક મુશ્કેલીમાં સપડાઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)એ ફિલ્મમાં કેટલાંક ફેરફાર કરવાની સલાહ આપી છે.
અગાઉ આ ફિલ્મ તેના ગીત ‘બેશરમ રંગ’માં એક્ટ્રેસે પહેરેલી ભગવી બિકીનીને કારણે વિવાદમાં સપડાઈ હતી. તેનો સામાન્ય પબ્લિકથી લઈને કેટલાક સાધુસંતોએ પણ વાંધો ઉઠાવી લાગણીઓને ઠેસ પહોંચાડી હોવાનું કહ્યું હતું. કેટલીક જગ્યાએ શાહરુખના પૂતળા સળગાવવામાં આવ્યા હતા અને થિયેચરમાં ફિલ્મ દેખાડનારને પણ ફૂંકી મારવાનું કહ્યું હતું. માંડ વિવાદ થોડો શાંત પડ્યો છે અને હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને સોન્ગ તેમજ ફિલ્મમાં ફેરફાર કરવા અને રિલીઝ પહેલા રિવાઈઝ્ડ વર્ઝન સબમિટ કરવા કહ્યું છે.
CBFCના ચેરપર્સન પ્રસૂન જોશીએ કહ્યું હતું ‘હાલમાં ફિલ્મ ‘પઠાણ’ સર્ટિફિકેટ માટે બીસીએફસી એક્ઝામિનેશન કમિટી પાસે પહોંચી હતી. બીસીએફસીની ગાઈડલાઈન પ્રમાણે ફિલ્મ યોગ્ય એક્ઝામિનેશન પ્રોસેસમાંથી પસાર થઈ હતી. કમિટીએ મેકર્સને સોન્ગ સહિત ફિલ્મમાં સૂચવવામાં આવેલા ફેરફારોને અમલમાં મૂકવા અને થિયેટરમાં રિલીઝ કરતાં પહેલા રિવાઈઝ્ડ વર્ઝન સબમિટ કરવા કહ્યું છે’
ફિલ્મ ‘પઠાણ’નું સોન્ગ ‘બેશરમ રંગ’12 ડિસેમ્બરે રિલીઝ થયું હતું અને સાથે વિવાદ શરૂ થયો હતો. પહેલા લોકોએ સોન્ગમાં દીપિકા પાદુકોણના સ્ટેપની મજાક ઉડાવી હતી અને પછી આઉટફિટ સામે વાંધો ઉઠાવ્યો હતો. મધ્યપ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ સોન્ગને દૂષિત માનસિકતા દર્શાવતું હોવાનું કહ્યું હતું અને એક્ટ્રેસને ટુકડેટુકડે ગેંગની સભ્ય ગણાવી હતી. તો અયોધ્યાના મહંત રાજુ દાસે સનાતન ધર્મની મજાક ઉડાવવાનો આક્ષેપ લગાવ્યો હતો.
ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં શાહરુખ ખાને કોલકાતામાં યોજાયેલા 28મા કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વિવાદ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું ‘કેટલાક લોકો એવા છે જેઓ સોશિયલ મીડિયા પર નેગેટિવિટી ફેલાવવાનું કામ કરે છે. દુનિયા કંઈ પણ કરી લે. પોઝિટિવ લોકો હજી પણ દુનિયામાં છે’. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ છે.