વિશ્વભરમાં ફેલાયેલા ઘણા ભારતીયો બાજીગર શાહરુખ ખાનને પસંદ કરે છે. ઇજિપ્ત જેવા દેશમાં પણ શાહરુખના ચાહકો છે. આવા એક ચાહકોનો સારો અનુભવ ભારતનાં એક મહિલા પ્રોફેસરને થયો.
ગત વર્ષના અંતિમ દિવસોમાં અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર અશ્વિની દેશપાંડેએ ટ્વિટર પર ટ્રાવેલની અનોખી યાદગીરી પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, ઈજિપ્તના ટ્રાવેલ એજન્ટને એડવાન્સ પેમેન્ટ મોકલવામાં તેમને તકલીફ પડી રહી હતી. જો કે ટ્રાવેલ એજન્ટ શાહરૂખનો મોટો ફેન હતો અને તે એડવાન્સ પેમેન્ટ વગર ટિકિટ બૂક કરવા તૈયાર થયો હતો. કોઈ અન્ય સ્થળનું હોત તો પોતે મદદ ના કરત, પણ શાહરૂખની વાત અલગ છે. શાહરૂખના દેશના હોવાના કારણે મહિલા પ્રોફેસરની મદદ કરનારા અનોખા ફેનને અને આ ઘટના બહાર લાવનારા પ્રોફેસર માટે શાહરૂખે વળતી ગિફ્ટ મોકલાવી છે.
અશ્વિની દેશપાંડેએ ટ્વિટર પર શાહરૂખે મોકલાવેલી ગિફ્ટના ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. અશ્વિની અને તેમના હસબન્ડ ઈજિપ્તના ટ્રાવેલ એજન્ટને મળ્યા હતા અને તેણે કરેલી હેલ્પની સ્ટોરીના કારણે ઊભા થયેલા માહોલની ચર્ચા કરી હતી. ટ્રાવેલ એજન્ટે પોતાની દીકરીના નામે શાહરૂખનો ઓટોગ્રાફવાળો ફોટોગ્રાફ મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. શાહરૂખની મેનેજર પૂજા દદલાણીએ ફોટોગ્રાફ સાથે ગિફ્ટ્સની વ્યવસ્થા કરી હતી.
પ્રોફેસર ટ્વિટર પર અપડેટ આપતા લખ્યું હતું. આ સ્ટોરીનો સુખદ અંત આવ્યો છે.શાહરૂખે સાઈન કરેલા ત્રણ ફોટોગ્રાફ આવ્યા છે. એક ફોટોગ્રાફ પર ઈજિપ્તના ટ્રાવેલ એજન્ટ માટે મેસેજ છે. અન્ય એક-એક ફોટોગ્રાફ ટ્રાવેલ એજન્ટની દીકરી અને પોતાના માટે છે.