બોલીવૂડમાં શાહરૂખ ખાનની ફિલ્મોની હંમેશા ચર્ચા થતી હોય છે. તેની કોઈ ફિલ્મ રિલીઝ થતાં જ તેના ચાહકો ઉત્સાહમાં આવી જાય છે અને તેમના માટે શાહરૂખની ફિલ્મ કોઈ ઉત્સવ જેવી હોય છે. પરંતુ તેની નવી ફિલ્મ ‘કિંગ’ માટે તેના ચાહકો અન્ય ફિલ્મો કરતાં વધુ ઉત્સાહીત છે, કારણ કે આ ફિલ્મમાં તેની સાથે પુત્રી સુહાના પણ હશે. સુજોય ઘોષની આ ફિલ્મથી સુહાના બોલીવૂડમાં અલગ રીતે પદાર્પણ કરી રહી છે. જ્યારે પ્રથમવાર આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારે લોકો એવું માની રહ્યાં હતાં કે આ ફિલ્મમાં સુહાના અને શાહરૂખ પિતા-પુત્રીની ભૂમિકામાં જ હશે. જોકે, હવે આ વાત અફવા લાગી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મમાં શાહરૂખ સુહાનાના પિતાના રોલમાં નહીં પણ એક પ્રોફેશનલ કિલર તરીકે જોવા મળશે. જ્યારે સુહાના એક એવી યુવતીના રોલમાં હશે, જે પોતાનો પરિવાર ગુમાવી ચૂકી છે અને હવે શાહરૂખ તેની રક્ષા કરી રહ્યો છે.
આ ફિલ્મની વાર્તા અને પાત્રો 1994માં આવેલી અંગ્રેજીમાં બનેલી ફ્રેન્ચ ફિલ્મ ‘લિઓનઃ ધ પ્રોફેશનલ’ પરથી પ્રેરિત છે. આ અંગે સૂત્ર કહે છે કે, “આ ફિલ્મની કહાની સંપૂર્ણપણે લિઓનની વાર્તા આધારીત નથી. પરંતુ ફિલ્મનું કથાનક તેનાથી પ્રેરિત છે. શાહરૂખ ખાનની ઇચ્છા પણ તેની પુત્રી સાથે પિતાની ભૂમિકામાં ન હોય તેવી ફિલ્મ કરવાની હતી. આ ફિલ્મમાં લિઓનની વાર્તાને અલગ રીતે રજૂ કરવામાં આવી છે.”
આમ, આ ફિલ્મમાં પ્રથમવાર શાહરૂખ એવી ભૂમિકામાં જોવા મળશે જે વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. છેલ્લે 2023માં તેની ફિલ્મો ‘જવાન’ અને ‘પઠાણ’ આવી હતી. બંને ફિલ્મો સફળ થઈ હતી, તેથી હવે દર્શકોને શાહરૂખની ફિલ્મ પાસે ઘણી અપેક્ષાઓ છે.