થોડા દિવસ પહેલા થયેલા એક અનોખા સર્વેમાં બોલીવૂડમાંથી શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા અને કિયારા અડવાણીએ લોકપ્રિયતાની દૃષ્ટિએ મોખરાનું સ્થાન મેળવ્યું છે. પ્રિયંકા ચોપરાએ છેલ્લા થોડા વર્ષોમાં પોતાને ગ્લોબલ સ્ટાર તરીકે સ્થાપિત કરી દીધી છે. પેરટ એનાલિટિક્સ દ્વારા ૨૦ જુલાઇથી ૧૮ ઓગસ્ટ વચ્ચે એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં એવું જાણવા મળ્યું હતું કે, ભારતીય ફિલ્મોના કલાકાર સૌથી વધુ માગમાં રહે છે.
આ યાદીમાં પહેલા સ્થાને શાહરૂખ ખાન, બીજા સ્થાને તેલુગુ સ્ટાર અલ્લૂ અર્જુ અને ત્રીજા સ્થાને પ્રિયંકા ચોપરાનો સમાવેશ થાય છે. શાહરૂખની છેલ્લા ત્રણ વર્ષથી એક પણ ફિલ્મ રિલીઝ ન થઇ હોવા છતાં પણ તેણે આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તે આશ્ચર્યજનક બાબત છે. જોકે, શાહરુખ અત્યારે દીપિકા પાદુકોણ અને જોન એબ્રાહમની સાથે યશરાજ ફિલ્મ્સની ‘પઠાણ’ માટે કામ કરી રહ્યો છે. ઓક્ટોબરમાં તે એક્શન થ્રિલર ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે તેવી ચર્ચા છે. જેમાં તેની સાથે સાઉથની નયનતારા પણ છે. શાહરુખની પાસે રાજકુમાર હિરાણીની પણ નવી એક ફિલ્મ પણ હોવાની ચર્ચા છે.
ઇન્ટરનેશનલ લીગમાં સામેલ થઇને કિયારા અડવાણી શેરશાહની સફળતા પછી સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતી અભિનેત્રી તરીકે ઊભરી રહી છે. પ્રિયંકા સાથે કિયારા એક એવી અભિનેત્રી છે જે વિશ્વમાં સૌથી અધિક માંગ ધરાવતી અભિનેત્રીની યાદીમાં સામેલ થઇ છે. આ યાદીમાં અન્ય કલાકારોમાં ધનુષ, ટોમ હિલ્ટન, દુલ્કર સલમાન, સલમાન ખાન, સુંહ હૂં, કિયારા અડવાણી અને મહેશ બાબુ પણ સામેલ છે. ટોમ હિલ્ટન ફક્ત અમેરિકામાં સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતો અભિનેતા છે, તેની ‘લોકી’ નવમી જૂને ડિઝની પ્લસ પર રિલીઝ થઈ હોવાથી તેની પોપ્યુલારિટી વધી હતી. તેના પછી જેનિફર લોપેઝનું નામ આવે છે.
પેરટ એનાલિટિક્સે એક્ટર્સ, એથ્લેટ્સ, મ્યુઝિશિયન્સ અને અન્ય હસ્તીઓની તેમની ગ્લોબલ કે કોઈ ચોક્કસ દેશ માટેની મર્યાદિત લોકપ્રિયતાના મૂલ્યાંકન માટે નવી એનાલિટિક્સ મેથડ ટેલેન્ટ ડિમાન્ડનો ઉપયોગ કર્યો હતો.