ફિલ્મ જોવાના શોખિનોમાં લોકપ્રિય ધરાવતા સલમાન અને શાહરૂખ ખાન સાથે જોવાની ઉત્સુકતા હંમેશા દર્શકોમાં રહી છે. આ બંને સ્ટાર્સ સાથે હોય તો ફિલ્મ મેકર્સને પણ સક્સેસની ગેરંટી મળી જતી હોય છે. સલમાન અને શાહરૂખે છેલ્લે 1995ના વર્ષમાં સાથે ફિલ્મ કરી હતી. આગામી વર્ષે બંને સ્ટાર્સ એકબીજાની ફિલ્મમાં કેમિયો કરવાના છે, પરંતુ તેમને લીડ રોલમાં રાખીને આખી ફિલ્મ બનાવવાનો વિચાર યશરાજના આદિત્ય ચોપરાને આવ્યો છે.
કહેવાય છે ક આ ફિલ્મની કથા આદિત્ય પોતે લખવાના છે. તેઓ પટકથા અને સંવાદ પણ લખવાના છે. તેમણે આ અંગે પોતાનું કામ શરૂ કરી દીધું છે. આ ફિલ્મનું શૂટિંગ 2023ના અંતમાં અથવા 2024ની શરૂઆતમાં શરૂ થશે. આવનારા સમયમાં આવી રહેલી પઠાણ અને ટાઈગર 3માં સલમાન-શાહરૂખના કેમિયોને બાદ કરીએ તો તેમણે માત્ર કરણ-અર્જુનમાં જ ફુલટાઇમ સાથે કામ કર્યું છે. તે એક માત્ર ફિલ્મ છે જેમાં બંને મહત્ત્વની ભૂમિકામાં હતા. સલમાન ખાનની ટાઈગર 3 2023માં ઈદ પર જ્યારે શાહરૂખની પઠાણ જાન્યુઆરી 2023માં રિલીઝ થવાની છે.
ટાઈગર 3 ઉપરાંત સલમાન ખાન ભાઈજાનના શૂટિંગમાં બિઝી છે. પઠાણ બાદ શાહરૂખ પાસે જવાન અને ડંકી પણ છે. બોલિવૂડના આ બંને સ્ટાર્સનો દબદબો બોક્સ ઓફિસ પર ઘટી રહ્યો હોવાની અટકળો વચ્ચે તેમને સાથે રાખીને ફિલ્મ બનાવવાનો વિચાર ખરેખર હિંમતભર્યો હોવાની ચર્ચા બોલીવૂડમાં થઇ રહી છે. જો કે ફિલ્મને શરૂ થવામાં હજુ ઘણો સમય છે અને ત્યાં સુધીમાં શાહરૂખ અને સલમાનની ફિલ્મો મોટાપાયે રિલિઝ થઈ ગઈ હશે. જેથી આદિત્ય ચોપરા પાસે આ બંને સ્ટાર્સની સાથે ફિલ્મની સ્ટ્રેટેજીને વધુ બહેતર બનાવવાની તક રહેશે.