શાહરુખ ખાને કહ્યું કે હવે મારી ઉંમર વધી ગઈ હોવાથી મને રોમેન્ટિક ફિલ્મો કરવાનું વિચિત્ર લાગે છે. ‘કુછ કુછ હોતા હૈ’માં રાહુલનું પાત્ર અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ના રાજનો રોલ આજે પણ યાદગાર છે. તેને કિંગ ઑફ રોમાન્સનું બિરુદ મળ્યું છે. ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં તેના એક ફેને તેને સવાલ પૂછ્યો હતો કે શું તું રાહુલ કે રાજના પાત્રને મિસ કરી રહ્યો છે. એનો જવાબ આપતાં શાહરુખે કહ્યું કે ‘રોમેન્ટિક ફિલ્મો કરવા માટેની હવે મારી ઉંમર રહી નથી. હાલમાં તો આવા રોલ ભજવવાનું વિચિત્ર લાગે છે. મને યાદ નથી કે મેં છેલ્લે ક્યારે રાહુલનો રોલ કર્યો હતો. મને માત્ર એટલું જ યાદ છે, ‘રાહુલ નામ તો સુના હોગા.’ એથી હું એ કોઈ રોલને મિસ નથી કરતો. મને આજે પણ યાદ છે કે, ઘણાં વર્ષ પહેલાં હું એક ફિલ્મમાં કામ કરી રહ્યો હતો અને મારી સાથે જે એક્ટ્રેસ હતી એ મારા કરતાં વયમાં ખૂબ નાની હતી. તેની સાથે રોમેન્ટિક સીન કરવામાં મને વિચિત્ર લાગી રહ્યું હતું. હું શરમાઈ રહ્યો હતો. જોકે હું એક એક્ટર છું. મારે એવી કલ્પના કરવી પડી કે હું તેની જ ઉંમરનો છું.’
શાહરુખ ખાને ઇચ્છા વ્યક્ત કરી હતી કે હું ૩૦ વર્ષથી ‘પઠાન’ જેવી ફિલ્મ બનાવવા માગતો હતો. બોલીવૂડમાં તેણે તાજેતરમાં જ 30 વર્ષ પૂર્ણ કર્યાં છે અને એ દરમ્યાન તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. એ દરમ્યાન તેણે રોમેન્ટિક અને નેગેટિવ રોલ પણ કર્યા છે. તે હવે ‘પઠાન’માં દીપિકા પદુકોણ, જોન એબ્રાહમ અને આશુતોષ રાણા સાથે લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મને યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપડાએ પ્રોડ્યુસ કરી છે અને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. આવતા વર્ષે 25 જાન્યુઆરીએ એ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે.
‘પઠાન’ વિશે શાહરુખે કહ્યું કે ‘આદિત્ય અને સિદ્ધાર્થને જણાવ્યું કે એક વર્ષ કરતાં વધુ સમયથી મેં કામ નથી કર્યું, કારણ કે ફિલ્મની પ્રોસેસને હું એન્જોય નહોતો કરી રહ્યો, જે મારા માટે ખૂબ અગત્યનું છે. અમે જ્યારે ‘પઠાન’નું શૂટિંગ શરૂ કર્યું ત્યારે અમને ખૂબ મજા પડી હતી. એ એક એક્શન ફિલ્મ છે. આવા પ્રકારની ફિલ્મમાં કામ કરવાનું હું ૩૦ વર્ષથી વિચારતો હતો. હું જ્યારે પહેલી વખત મુંબઈ આવ્યો ત્યારે એવું વિચારતો હતો કે જો કોઈ એક્શન ફિલ્મો કરી શકું તો મારે પણ મારી પઠાનની છાપ દેખાડવી જોઈએ. આશા છે કે એક એક્ટર તરીકેની મેં મારી એ ઇચ્છા ‘પઠાન’માં પૂરી કરી છે. હું ઍક્શનને ખૂબ એન્જૉય કરું છું. જોકે થોડું મોડું થયું છે. ૫૬ની ઉંમરે હું માચો અને સૉલિડ બની ગયો છું. સિદ્ધાર્થ અને આખી ટીમે સખત મહેનત કરી છે. આશા છે કે અમે એમાં સફળ રહીએ.’