લાંબા સમય પછી શાહરુખ ખાન ફિલ્મોમાં સક્રિય થયો છે, તેણે ‘પઠાણ’ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. એવું કહેવાય છે કે, શાહરુખે આ ફિલ્મ માટે નિર્માતા પાસેથી અધધધ મહેનતાણુ લીધું છે. સૂત્રો કહે છે કે, શાહરુખને આ ફિલ્મ માટે રૂ. ૧૦૦ કરોડ મળશે, આથી તે સૌથી વધુ ફી લેનાર કલાકાર પ્રસ્થાપિત થયો છે. ફીના મુદ્દે તે અક્ષય કુમાર, સલમાન ખાન જેવા મોંઘા અભિનેતાઓથી પણ આગળ નીકળી ગયો છે. અગાઉ એવી વાત હતી કે, જો ફિલ્મ રૂ. ૧૦૦ કરોડનો પણ બિઝનેસ કરશે તો શાહરુખને તેમાંથી રૂ. ૪૫ કરોડ મળશે. આ ફિલ્મમાં તેની સાથે જોન અબ્રાહમ અને દીપિકા પદુકોણ પણ દેખાશે અને તેના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ છે. આ ફિલ્મનું નિર્માણ યશરાજ ફિલ્મ્સ બેનરના હેઠળ થઇ રહ્યું છે. સલમાન ખાન પણ આ ફિલ્મમાં નાની પણ મહત્વની ભૂમિકામાં દેખાશે.