વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ દેશના 23 રાજ્યમાં ફેલાઈ ચુક્યો છે. ભારતના 75 જિલ્લા 31 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યા છે. ત્યારબાદ નાગરિકતા સંશોધન કાયદો (CAA) સામે શાહીન બાગ, લખનઉ અને મુંબઈમાં લાંબા સમયથી ધરણાનો હંગામી ધોરણે અંત આવ્યો છે.
સોમવારે દિલ્હીના શાહીન બાગના પંડાલ ખાલી જોવા મળતા હતા. અહીં ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો નજર આવતા હતા. આ ઉપરાંત લખનઉના ઘંટાઘર અને મુંબઈના મોરલેન્ડ રોડને વિરોધ પ્રદર્શનકારીઓએ ખાલી કરી દીધા છે. કોરોના વાઈરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર રવિવારે દેશભરમાં જનતા કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો.
દિલ્હીમાં CAA, NRC તથા NPR સામે રાજધાનીના શાહીન બાગમાં 98 દિવસથી મોટી સંખ્યામાં ધરણા પર બેઠા હતા. તેમને હટાવી ઓખલા વિસ્તારનો માર્ગ ખોલાવવા માટે સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિની નિમણૂક કરી હતી. ઘણા પ્રયત્નો કરવા છતા ધરણા સ્થળને ખાલી કરવામાં આવતુ ન હતું. પણ હવે લોકડાઉનને લીધે વિરોધ પ્રદર્શન કરનારાઓ ધીમે ધીમે હટી રહ્યા છે.
લખનઉમાં ઘંટાઘર પર છેલ્લા 66 દિવસથી સેંકડો મહિલાઓ CAA, NRC અને NPR સામે ધરણા પર બેઠી હતી. તેમને પણ કોરોના વાઈરસના જોખમ અને લોકડાઉનની સ્થિતિને લીધે આ વિરોધ પ્રદર્શન પાછું ખેંચ્યુ છે. મહિઓએ એક પત્રમાં કહ્યું છે કે કોરોના વાઈરસનું જોખમ પૂરું થયા બાદ વિરોધ પ્રદર્શન ફરી શરૂ કરી દેવામાં આવશે. આ વિરોધ પ્રદર્શન કરતી મહિલાઓએ તેમના દુપટ્ટા વિરોધ પ્રદર્શનના સ્થળ પર સાંકેતિક રીતે છોડીને જઈ રહી છે.
રવિવારે રાત્રે વિરોધ પ્રદર્શનકારીઓએ અહીં જગ્યા ખાલી કરી દીધી, ત્યારબાદ સોમવારે સવારે પ્રશાસને ઘંટાઘર અને આસપાસના વિસ્તારની સફાઈ કરાવી છે.મુંબઈના મોરલેન્ડ માર્ગ પર પણ નાગરિકતા સંશોધન કાયદાની સામે છેલ્લા 50 દિવસથી પ્રદર્શન ચાલી રહ્યું હતું. સોમવારે કોરોના વાઈરસ સંક્રમણના જોખમ અને લોકડાઉનને જોતા તેને રદ્દ કરી દીધું છે.