પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારના પતન બાદ સોમવારે નવા વડાપ્રધાનની ચૂંટણી માટે નેશનલ એસેમ્બ્લીની ફરી કાર્યવાહી ચાલુ થશે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના વડા શાહબાઝ શરીફે રવિવારે પોતાને વડાપ્રધાનના હોદ્દા માટે નોમિનેટ કર્યા હતા. બીજી તરફ ઇમરાનની પાર્ટીએ પોતાના વડાપ્રધાનના ઉમેદવાર તરીકે શાહ મહેમૂદ કુરેશીને નોમિનેટ કર્યા છે. જોકે શહેબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બને તેવી પૂરી શક્યતા છે.
નેશનલ એસેમ્બલીની કાર્યવાહી 11 એપ્રિલ 2022ના રોજ બપોરે 2 વાગ્યે ચાલુ થશે.
નેશનલ એસેમ્બ્લીએ નિર્ધારિત કરેલી ઉમેદવારી પત્ર ભરવાની મહેતલ પહેલા 70 વર્ષીય શહેબાઝે ગૃહના નવા નેતા તરીકે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, એમ સ્થાનિક વર્તમાનપત્રના અહેવાલમાં જણાવાયું હતું.
શાહબાઝ શરીફે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે બંધારણની રક્ષા માટે કામગીરી કરવા માટે મીડિયા, સિવિલ સોસાયટી, વકીલો, મારા ભાઇ નવાઝ શરીફ, મૌલાના ફઝલુર રહેમાન, બિલાવલ ભુટ્ટો, ખાલિદ મકબૂલ, ખાલિદ માગ્સી, મોસિન દવાર, અલી વઝીર, અમિર હૈદર હોટી તથા તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકારોનો ખૂબ આભાર.
ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના કો-ચેરમેન આસિફ અલગી ઝરદારીએ ગયા મહિને સંયુક્ત વિપક્ષની બેઠકમાં વડાપ્રધાનના પદ માટે શહેબાઝ શરીફના નામની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને પીએમએલ-એનના વરિષ્ઠ નેતાઓ ખ્વાજા આસીફ અને રાણા તનવીરે સમર્થન આપ્યું હતું.
ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિકે ઇન્સાફે વડાપ્રધાનના હોદ્દા માટેના પોતાના ઉમેદવાર તરીકે ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કુરેશીને નોમિનેટ કર્યા છે. પીટીઆઇના નેતાઓ આમીર ડોગર અને અલી મોહંમદ ખાને આ દરખાસ્તને સમર્થન આપ્યું છે.
અગાઉ નેશનલ એસેમ્બલીના સ્પીકર અયાઝ સાદિકે જણાવ્યું હતું કે નવા વડાપ્રધાન માટેના ઉમેદવારી પત્રો રવિવારે બપોરે બે વાગ્યા સુધી ભરી શકાય છે અને તેની ચકાસણી બપોરે 3 વાગ્યે થશે.
અગાઉ અવિશ્વાસની દરખાસ્તમાં ઇમરાન સરકારનું પતન થયું હતું. નેશનલ એસેમ્બ્લીમાં અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં 174 મત પડ્યા હતા.