બોલીવૂડ માટે 2023નું વર્ષ ખૂબ જ શુકનવંતુ રહ્યું હતું. બોક્સઓફિસ પર નવા રેકોર્ડ બનવાની સાથે નિર્માતાના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. રણબીર કપૂરની ‘એનિમલ’ સહિત પાંચ ફિલ્મોએ આ વર્ષે ડિસેમ્બર 10 સુધીમાં વૈશ્વિક બોક્સઓફિસ પર રૂ. 650 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.
આ મહિનામાં બે બિગ બજેટ ફિલ્મોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જેમાં શાહરૂખ ખાનની ડન્કી અને પ્રભાસની સાલારઃ પાર્ટ 1- સીઝ ફાયરનો સમાવેશ થાય છે. આ બંને ફિલ્મોએ જમાવેલા માહોલના જોતાં 650 કરોડની ક્લબમાં યાદી લાંબી થઈ શકે છે. રણબીર કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ, અનિલ કપૂર અને તૃપ્તિ ડીમરીની ફિલ્મ એનિમલ પહેલી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. બીજા વીકેન્ડમાં પણ હાઉસફુલ થઈ રહેલી આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સઓફિસ પર રૂ.650 કરોડથી વધુનું કલેક્શન મેળવ્યું છે. ‘એનિમલ’ પહેલાં શાહરૂખ ખાનની ‘જવાન’, ‘પઠાણ’, રજનીકાંતની ‘જેલર’, અને સની દેઓલની ‘ગદર 2’ને આ ક્લબમાં સ્થાન મળ્યુ હતું.
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ એક્સ પ્લેટફોર્મ પર ટ્વિટ કર્યુ હતું કે, 2023માં ગ્રોસ રૂ.650 કરોડથી વધુ વર્લ્ડવાઈડ બોક્સઓફિસ કલેક્શન મેળવનારી ફિલ્મોમાં પઠાણ, જવાન, જેલર અને ગદર 2 બાદ હવે એનિમલનો પણ સમાવેશ થયો છે. ‘એનિમલ’ હજુ થીયેટરમાં ચાલી રહી છે. સંદીપ રંડ્ડી વાંગાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મે રિલીઝના 9 દિવસમાં જ વર્લ્ડવાઈડ રૂ.660.89 કરોડનું કલેક્શન મેળવ્યું હતું. હિંસક દૃશ્યો અને મહિલા પર અત્યાચારના કારણે આ ફિલ્મની ટીકા પણ થઈ રહી છે. એડલ્ટ સર્ટિફિકેટ હોવા છતાં ઓડિયન્સને આ ફિલ્મ જોવામાં મજા આવી રહી છે.
આ વર્ષમાં વર્લ્ડવાઈડ રૂ. 650 કરોડ મેળવનારી પ્રથમ ફિલ્મ શાહરૂખ ખાનની ‘જવાન’ હતી. શાહરૂખની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમના રોલ ધરાવતી આ ફિલ્મ 26 જાન્યુઆરીએ રજૂ થઈ હતી અને તેનું લાઈફટાઈમ કલેક્શન રૂ.1055 કરોડ રહ્યું હતું. ત્યારબાદ સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ અને રજનીકાંતની ‘જેલર’ ઓગસ્ટના બીજા વીકમાં રિલીઝ થઈ હતી. રિપોર્ટ્સ મુજબ, ‘ગદર 2’ને રૂ. 650 કરોડ અને ‘જેલર’ને રૂ. 686 કરોડથી વધુનું કલેક્શન મળ્યુ હતું. ‘જેલર’ મૂળે તમિલ ફિલ્મ હતી, જેનું ડબ્ડ વર્ઝન હિન્દી, કન્નડ અને તેલુગુમાં રિલીઝ થયુ હતું. વળી આ યાદીમાં સ્થાન મેળવનારી સાઉથની એક માત્ર ફિલ્મ પણ જેલર છે.
શાહરૂખ ખાનની બીજી ફિલ્મ ‘જવાન’ને વર્લ્ડવાઈડ રૂ.1160 કરોડનું કલેક્શન મળ્યુ હતું. આ વર્ષે શાહરૂખની ત્રીજી ફિલ્મ ડન્કી આવી રહી છે. તેની સીધી ટક્કર પ્રભાસની ફિલ્મ સાલાર સાથે થશે. પ્રભાસની ફિલ્મ એક્શન થ્રિલર છે, જ્યારે ડન્કીમાં સોશિયલ કોમેડીની સાથે ગેરકાયદે ઈમિગ્રેશનના ગંભીર વિષયની ચર્ચા છે.