બોલીવૂડ બાદશાહ, બાજિગરના નામે જાણીતા શાહરૂખ ખાનને ડોન સીક્વલની ફિલ્મો માટે ખૂબ પસંદ કરવામાં આવે છે. ડોન તરીકે શાહરૂખે બે ફિલ્મો કરી છે. ડોન અને ડોન 2માં શાહરૂખે બોક્સઓફિસ પર નવા રેકોર્ડ બનાવ્યા હતા. ફરહાન અખ્તરે ડોન 3ની તૈયારી શરૂ કરી ત્યારે એક માત્ર વિકલ્પ શાહરૂખ જ હતા.
શાહરૂખના ઈનકાર પછી ફરહાને રણવીરને નવો ડોન બનાવવાનો નિર્ણય કર્યો છે. જોકે, શાહરૂખને ફરી ડોનના અવતારમાં જોવાની દર્શકોની ઈચ્છા અધૂરી રહી છે. પુત્રી સુહાના માટે શાહરૂખ ખાન ફિલ્મોમાં ફરીથી ડોન બને તેવી સંભાવના છે.
શાહરૂખ ખાને રઈસ, ડોન, બાઝીગર, ડર જેવી ફિલ્મોમાં નેગેટિવ રોલ કર્યો છે અને શાહરૂખની પુત્રી સુહાનાની ફિલ્મમાં તે ફરીથી આવી ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. રીપોર્ટ્સ મુજબ, દીકરી સુહાનાની ફિલ્મ કિંગમાં શાહરૂખ ખાનનો લૂક ફાઈનલ થયો છે. લાંબા વાળ અને વધેલી દાઢી સાથે શાહરૂખ ખાન જોવા મળશે. અગાઉ શાહરૂખે ડોનમાં રાખ્યો હતો, તેવો જ લૂક આ ફિલ્મમાં જોવા મળશે.
શાહરૂખ ખાન આ ફિલ્મમાં એક ગેંગસ્ટરની ભૂમિકામાં જોવા મળશે. શાહરૂખે પુત્રી માટે હાથ ધરેલા રૂ. 200 કરોડના પ્રોજેક્ટ અંગે જાહેરાત થઈ ત્યારથી ઉત્સુકતા ફેલાયેલી છે. આ ફિલ્મ માટે શાહરૂખ ખાનના પાત્રની વિગતો બહાર આવ્યા પછી લોકો માને છે કે, ભલે ડોન ફિલ્મમાં શાહરૂખ નહીં હોય, પરંતુ તેઓ થીયેટરમાં ફરી વખત ડોન અવતારમાં જોવા મળશે.