બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન અને તેની ટીમના કેટલાક સભ્યોને કસ્ટમ વિભાગે મુંબઈ એરપોર્ટ શુક્રવારે મોડી રાત્રે રોક્યા હતા. મીડિયા સૂત્રોના જણાવ્યા મુજબ, ખૂબ જ મોંઘી ઘડિયાળો ભારત લાવવા, બેગમાં મોંઘી ઘડિયાળોના ખાલી બોક્સ મળવા અને તેને જાહેર ન કરવાની બાબતમાં તેમને રોકવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત તેમણે કસ્ટમ ડ્યુટી ન ભરી હોવાનું પણ કહેવાય છે. જોકે, એક કલાકની પૂછપરછ પછી, શાહરૂખ ખાન, તેની મેનેજર પૂજા દદલાનીને એરપોર્ટ પર પૂછપરછ કરીને મુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે શાહરૂખના બોડીગાર્ડ રવિ અને અન્ય લોકોને કસ્ટમે પકડી રાખ્યા હતા. સૂત્રો કહે છે કે, રવિએ 6 લાખ 87 હજાર રૂપિયાનો કસ્ટમ ચૂકવ્યા છે. જેનું બિલ શાહરૂખ ખાનના બોડી ગાર્ડ રવિના નામે બનેલું છે. જોકે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ નાણા શાહરૂખ ખાનના ક્રેડિટ કાર્ડથી ચૂકવવામાં આવ્યા છે. જોકે, રવિને કસ્ટમ દ્વારા શનિવારે સવારે 8 વાગ્યે છોડવામાં આવ્યો હતો.
શાહરૂખ ખાન તેની ટીમ સાથે એક બુક લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપવા માટે ખાનગી વિમાન દ્વારા દુબઈ ગયા હતા. આ પ્રાઈવેટ વિમાન શુક્રવારે મોડી રાત્રે 12.30 કલાકે મુંબઈ પરત આવ્યું હતું પરંતુ રેડ ચેનલ પાર કરતી વખતે શાહરૂખ ખાન અને તેની ટીમની બેગમાંથી કસ્ટમ્સને લાખો રૂપિયાની ઘડિયાળો મળી હતી. કસ્ટમે આ ઘડિયાળોની કિંમત નક્કી કરીને તેના પર 17, 56, 500ની કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવી હતી.