પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને બંને દેશો વચ્ચે અર્થપૂર્ણ મંત્રણા પર ભાર મૂક્યો છે. શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યાં ત્યારે વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન આપતો એક પત્ર લખ્યો હતો, જેના જવાબમાં શાહબાઝે આ પત્ર લખ્યો છે. મોદીએ તેમના પત્રમાં પાકિસ્તાન સાથે રચનાત્મક સંબંધોની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ મોદીને લખેલા પત્રમાં શરીફે જમ્મુ અને કાશ્મીર સહિતના મુદ્દાના ઉકેલ માટેની જરૂરિયાત દર્શાવી છે. શરીફે જણાવ્યું છે કે ઇસ્લામાબાદ ભારત સાથે શાંતિપૂર્ણ અને સહયોગના સંબંધોની તરફેણ કરે છે.
શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યાં તે દિવસે જ મોદીએ તેમને અભિનંદન આપતો પત્ર લખ્યો હતો, જેમાં મોદીએ જણાવ્યું હતું કે ભારત ત્રાસવાદ મુક્ત વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે. મોદીએ ટ્વીટ કર્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવવા બદલ મિયાં મોહંમદ શાહબાઝ શરીફને અભિનંદન. ભારત આતંક મુક્ત વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે, જેથી આપણે વિકાસના પડકારો પર ધ્યાન કેન્દ્રીત કરી શકીએ અને આપણા લોકોની સુખાકારી અને સમૃદ્ધ સુનિશ્ચિત કરી શકીએ.
શરીફે પોતાના ટ્વીટમાં મોદીનો આભાર માન્યો હતો અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું કે અભિનંદન માટે વડાપ્રધાન મોદી તમારો આભાર. પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ અને સહયોગના સંબંધો ઇચ્છે છે. જમ્મુ અને કાશ્મીર સહિતના વિવાદી મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ આવશ્યક છે.
2019માં ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી કેમ્પો પર એરસ્ટ્રાઇક કર્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા હતા. પુલવામા ત્રાસવાદી હુમલાના જવાબમાં ભારતે આ મોટી કાર્યવાહી કરી હતી. પુલવામા હુમલામાં ભારતના 40 સૈનિકોના મોત થયા હતા.
આ પછી નરેન્દ્ર મોદી સરકારે 2019ના પાંચ ઓગસ્ટે જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જો નાબૂદ કર્યો હતો અને 370ની કલમ દૂર કરી હતી. આ પછીથી બંને દેશો વચ્ચે કોઇ મંત્રણા થઈ નથી.