ઇન્ડોનેશિયાની સંસદમાં આ મહિને એક નવો ક્રિમિનલ કાયદો પસાર થાય તેવી અપેક્ષા છે, જે અંતર્ગત લગ્ન સિવાયના શારીરિક સંબંધો બાંધનારને એક વર્ષ સુધીની જેલની સજા અને દંડ ફટકારાશે. અધિકારીઓએ આ મુદ્દો ચર્ચામાં હોવાની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત સંસદ દ્વારા પ્રેસિડેન્ટ અથવા સરકારી સંસ્થાઓનું અપમાન કરવા અને ઇન્ડોનેશિયા સરકારની વિચારધારા વિરુદ્ધ કોઈપણ મંતવ્યો વ્યક્ત કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. લગ્ન અગાઉ સેક્સ માણવા પર પણ પ્રતિબંધ છે.
આ અંગે ઇન્ડોનેશિયા સરકારના ન્યાય બાબતોના નાયબ પ્રધાન, એડવર્ડ ઓમર શરીફે રોઇટર્સને જણાવ્યું હતું કે, આ નવો કાયદો બનાવવામાં દસકા વિતી ગયા છે પરંતુ હવે તે 15 ડિસેમ્બરે પસાર થાય તેવી અપેક્ષા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમારી પાસે ઇન્ડોનેશિયાને છાજે તેવા મૂલ્યો છે, જેનો અમને ગર્વ છે.”
આ નવા કાયદાના મુસદ્દાને દેશમાં કેટલાક એવા ઇસ્લામિક ગ્રૂપોનું સમર્થન છે જ્યાં રૂઢિચુસ્તતા વધી રહી છે, જોકે વિરોધીઓની દલીલ છે કે, 1998માં સરમુખત્યાર સુહાર્તોના પતન પછી ઘડવામાં આવેલા ઉદારવાદી સુધારાઓને સરકાર હવે બદલી રહી છે.