સેલ્ફ એમ્પ્લોઇડ વુમેન્સ એસોસિયેશન (SEWA)ના સ્થાપક તેમજ જાણીતા સમાજસેવક ઈલા બહેન ભટ્ટનું બુધવાર, 2 નવેમ્બરે અમદાવાદની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 89 વર્ષ હતા. છેલ્લાં કેટલાંક સમયથી આ ગાંધીવાદી સામાજિક કાર્યકર આરોગ્યની સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. માંદગીને કારણે તેમણે તાજેતરમાં જ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદ પરથી રાજીનામુ આપ્યું હતું.
તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્ત થયા હતા. સાંસદ તરીકે તેમણે 1989 સુધી સેવા આપી હતી. તેઓ વિશ્વ બેંક જેવી સંસ્થાઓના સલાહકાર પણ હતા. નેલ્સન મંડેલા દ્વારા માનવ અધિકાર અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે સ્થાપવામાં આવેલ વિશ્વ નેતાઓના જૂથ એલ્ડર્સમાં તેઓ 2007માં જોડાયા હતા.
ઈલાબેન ભટ્ટનો જન્મ 7 સપ્ટેમ્બર 1933ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતા સુમંતરાય ભટ્ટ વકીલ હતા, જ્યારે માતા વનલીલા વ્યાસ સ્ત્રીઓને લગતી ચળવળમાં સક્રિય રહેતા હતા. ત્રણ દીકરીઓમાં ઈલાભટ્ટ બીજા ક્રમ પર હતા. ઈલાબેને સુરતમાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યુ હતું અને બી.એ. પણ સુરતમાં જ કર્યુ હતું. આ પછી વર્ષ 1954માં તેમણે અમદાવાદની એલ.એ. શાહ કોલેજમાં LLB કર્યુ હતું. તેમણે પોતાના ક્લાસમેટ અને સહયોગી રમેશ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા.
ઈલાબેન ભટ્ટના જીવન પર ગાંધીજીનો ઘણો પ્રભાવ હતો. તેઓ ગાંધીવાદી વિચારધારાનું અનુસરણ કરતા હતા. ઈલાબેન ભટ્ટ રેમન મેગસેસે અવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા હતા. ભારત સરકારે 1985મા તેમને પદ્મશ્રી અને 1986માં પદ્મભૂષણ અવોર્ડ પણ એનાયત કર્યો હતો. 1984માં તેમને રાઈટ લાઈવલીહુડ અવોર્ડ આપવામાં આવ્યો હતો. વર્ષ 2001માં તેમને વિશ્વપ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીની માનદ ડોક્ટરેટ ડિગ્રી મળી હતી. 2011માં તેમને મહિલાઓના ઉદ્ધાર માટે પ્રતિષ્ઠિત રેડક્લિફ ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યો હતો.
ગાંધીજીથી પ્રેરિત થઈને 1972માં તેમણે સેવા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. મહિલાઓને નાની લોન આપવા માટે 1974 માં સહકારી બેંકની સ્થાપના કરી હતી. ઇલાબેન ભટ્ટે માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓના વૈશ્વિક નેટવર્ક વિમેન્સ વર્લ્ડ બેંકિંગ (WWB)ની પણ સહ-સ્થાપના કરી હતી. તેમાં તેઓ 1984-1988 સુધી ચેરપર્સન હતા