સેવા ડે સાઉથ લંડને ક્રોયડન બરોમાં અસંખ્ય સમુદાયોના સ્વયંસેવકો એકઠા કરી જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે. જેમાં આઇસોલેટ થયેલ વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ, લોકો અને આપણા એનએચએસ હીરોઝ સુધીના લોકોનો સમાવેશ થાય છે.
આ કોવિડ કટોકટી દરમ્યાન દૈનિક ધોરણે અગણિત વ્યક્તિઓને વ્યક્તિગત સ્તરે સહાય કરવામાં આવી છે. આ ટીમે ફૂડ બેંકો માટે 600 કિલો નોન-પેરીશેબલ ખોરાક એકત્રિત કર્યો હતો અને લાચાર મહિલાઓને વધારાના 50 હેમ્પર વહેંચ્યા હતા. સેવા ડે દ્વારા ક્રોયડન નાઇટ વૉચ સાથે સહયોગ કરી પરિવારો દ્વારા પ્રાયોજિત કરાયેલુ ગરમ ભોજન રસ્તાઓ પર સૂઈ રહેલા બેઘર વ્યકિતઓને આપ્યુ હતુ. જૂનમાં વધુ 720 ભોજન પીરસવામાં આવશે. ક્રોયડનમાં એનએચએસના ફ્રન્ટલાઈન સ્ટાફને 300 ડીશ ગરમ ભોજન પીરસાયુ હતુ.
સમુદાયોના માનસિક સ્વાસ્થ્યને લક્ષમાં લઇને સેવા ડે દ્વારા આનંદ અભિયાન અંતર્ગત બાળકોને પત્રો લખવા અને ચિત્રો દોરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને પછી તે આઇસોલેટ વ્યક્તિઓને મોકલવામાં આવ્યા હતા. સ્થાનિક ચેપ્ટર દ્વારા 150 કેર હોમ્સને 550થી વધુ ડ્રોઇંગ્સ આપવામાં આવ્યા હતા.
સેવા ડે ક્રોયડન એ રાષ્ટ્રીય સંગઠન સેવા ડે ચેરિટીના ચેપ્ટર તરીકે કોવિડ 19 દરમિયાન સ્થાનિક સમુદાયને મદદ કરવા સખત મહેનત કરી રહી છે, પરંતુ હજી ઘણું કામ બાકી છે. જોડાવા માંગતા લોકોને દક્ષાબેન રાવલનો સંપર્ક કરવા વિનંતી.