ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિતના રાજ્યોમાં મે મહિનામાં પણ ભીષણ ગરમી અને લાંબી હીટવેવ રહેવાની આગાહી કરી હતી. ચાલુ મહિને ગુજરાત, દક્ષિણ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, વિદર્ભ, અને મરાઠવાડામાં 8થી 11 દિવસ સુધીની લાંબી હીટવેવ રહેવાની ધારણા છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં ત્રણ દિવસની હીટવેવ રહેતી હોય છે.
હવામાન વિભાગ (IMD)ના વડા મૃત્યુંજય મહાપાત્રાએ બુધવારે જણાવ્યું હતું કે મે મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે. ઉત્તરીય મેદાનો, મધ્ય ભારતમાં હીટવેવના દિવસોની સંખ્યા ઘણી ઊંચી રહેવાની ધારણા છે.
રાજસ્થાનના બાકીના ભાગો, પૂર્વ મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગો, આંતરિક ઓડિશા, પશ્ચિમ બંગાળના ગંગાના વિસ્તારો, ઝારખંડ, બિહાર, કર્ણાટક અને તેલંગાણામાં પાંચથી સાત દિવસની હીટવેવ નોંધાઈ શકે છે.
IMDએ જણાવ્યું હતું કે મે મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહેશે. જોકે ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારો, ઉત્તરપશ્ચિમના કેટલાંક વિસ્તારો અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કે તેનાથી નીચું રહી શકે છે.
આઇએમડીએ જણાવ્યું હતું કે દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં એપ્રિલમાં સરેરાશ મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 1901 પછી બીજા ક્રમે સૌથી વધુ હતું. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં એપ્રિલમાં સરેરાશ લઘુત્તમ તાપમાન (22 ડિગ્રી સેલ્સિયસ) 1901 પછી સૌથી વધુ હતું. 1980ના દાયકાથી દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહ્યું હોય તેવી ઘટનામાં વધારો થઈ રહ્યો છે.