રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસ સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતુ અને તાપમાનનો પારો ગગડીને 4.4 ડિગ્રી સેલ્સિયસ થયો હતો. આમ ધર્મશાલા, નૈનીતાલ અને દેહરાદૂન કરતાં પણ દિલ્હીવાસીઓએ વધુ ઠંડી અનુભવી હતી. દિલ્હી-એનસીઆર માટે આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયો હતો, જ્યારે હવામાન વિભાગે પંજાબ અને હરિયાણા માટે બુધવાર અને ગુરુવાર માટે રેડ એલર્ટ જારી કર્યો હતો.
ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટીને 200 મીટર થઈ હતી અને તેનાથી રોડ અને રેલવે ટ્રાફિકની અવરજવર પર અસર પડી હતી. રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ધુમ્મસભર્યા વાતાવરણને કારણે દિલ્હી જતી 19 ટ્રેનો દોઢથી સાડા ચાર કલાક મોડી પડી હતી. ભારતીય હવામાન વિભાગ (IMD)એ સેટેલાઇટ ઇમેજિસ શેર કરી હતી, જેમાં ઉત્તર ભારતના મેદાની વિસ્તારો તથા દેશના મધ્ય અને પૂર્વીય ભાગો પર ધુમ્મસનું જાડું પડ દેખાય છે.
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાલમ વેધશાળાએ સવારે 5.30 વાગ્યે 200 મીટરની વિઝિબિલિટી દર્શાવી હતી. હવામાન કાર્યાલયના જણાવ્યા અનુસાર દૃશ્યતા 0 થી 50 મીટરની વચ્ચે હોય ત્યારે ‘ખૂબ ગાઢ’ ધુમ્મસ ગણાય છે.
બરફથી ઢંકાયેલ હિમાલયના બર્ફિલા પવનોને કારણે શીત લહેરનો પ્રકોપ વધ્યો છે. સફદરજંગ વેધશાળામાં લઘુત્તમ તાપમાન એક દિવસ પહેલાના 8.5 ડિગ્રીથી ઘટીને 4.4 ડિગ્રી નોંધાયું હતું. દિલ્હીનું લઘુત્તમ તાપમાન ધર્મશાલા (5.2 ડિગ્રી), નૈનીતાલ (6 ડિગ્રી) અને દેહરાદૂન (4.5 ડિગ્રી) કરતાં ઓછું હતું.
દિલ્હી યુનિવર્સિટી નજીકના દિલ્હી રિજ વેધર સ્ટેશનમાં બુધવારે કોલ્ડ વેવ સાથે લઘુત્તમ તાપમાન 3.3 ડિગ્રી નોંધાયું હતું, જે બુધવારે રાજધાનીમાં સૌથી નીચું હતું. “દિલ્હીમાં શીત લહેર પ્રવર્તી રહી છે અને મહત્તમ તાપમાન પણ નીચું હતું..
સિનિયર IMD સાયન્ટિસ્ટ આરકે જેનામણીએ જણાવ્યું હતું કે મોટા ભાગના સ્થળોએ મહત્તમ તાપમાન 13 ડિગ્રીથી 15 ડિગ્રી વચ્ચે નોંધાય તેવી શક્યતા છે. કોલ્ડ વેવની સ્થિતિ આગામી 24 થી 48 કલાક સુધી ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આવી સ્થિતિ યથાવત છે. આ રાજ્યોમાં દિવસનું તાપમાન સામાન્ય કરતા ઘણું ઓછું રહેવાની શક્યતા છે.
IMD અધિકારીએ જણાવ્યું હતું કે યુપીમાં ઠંડી અને તીવ્ર ઠંડીની સ્થિતિ ચાલુ રહેશે. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 10 થી 12 ડિગ્રી ઓછું રહેશે. ઉત્તર રાજસ્થાન ગંભીર શીત લહેરોની સ્થિતિમાં છે, ચુરુમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.9 ડિગ્રી નોંધાયું હતું.