(ANI Photo)

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં રવિવારે ગુજરાતના તીર્થયાત્રીઓને લઈ જતી બસ ખીણમાં પડતાં સાત લોકોના મોત થયાં હતાં અને 27 લોકો ઘાયલ થયાં હતા.35 લોકો સાથેની બસ ગંગોત્રીથી પરત ફરી રહી હતી ત્યારે ગંગનાનીમાં અકસ્માતનો ભોગ બની હતી.

મીડિયા અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં ભાવનગર જિલ્લાના સાત યાત્રિકનાં મોત થયા હતા. 27 યાત્રિક ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં તળાજાના ગીગાભાઈ ભમ્મર, ભાવનગરના મીનાબેન કમલેશકુમાર ઉપાધ્યાય, તળાજાના જોશી અનિરુદ્ધ હસુમખભાઈ, મહુવાના દક્ષાબેન મહેતા, મહુવાના ગણપતભાઇ મહેતા, પાલિતાણાના કરણભાઇ ભાદરી અને અલંગના રાજેશ મેરનો સમાવેશ થાય છે.

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ ઉચ્ચ અધિકારીઓ સાથે અકસ્માત વિશે વાત કરી અને તેમને રાહત અને બચાવ કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવા સૂચના આપી હતી. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને તબીબી ટીમો સ્થળ પર મોકલવામાં આવી હતી. જરૂરિયાતના કિસ્સામાં સહાય પૂરી પાડવા માટે દેહરાદૂનમાં હેલિકોપ્ટર તૈયાર રાખવામાં આવ્યું હતું.

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તેમની સરકાર ઉત્તરાખંડ સરકારના સતત સંપર્કમાં છે. આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે “ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડી જતાં ગુજરાતના તીર્થયાત્રીઓએ જીવ ગુમાવ્યો તે દુ:ખદ ઘટનાથી હું દુઃખી છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે.

 

 

LEAVE A REPLY