અમેરિકામાં ચોથા ક્રમના સૌથી મોટા શહેર હ્યુસ્ટનમાં આવેલા ગુરુવારે ત્રાટકેલા ભયંકર વાવાઝોડામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા અને આશરે અડધો મિલિયનથી વધુ ઘરો અને ઓફિસોમાં વીજળી ગુલ થઈ હતી. હ્યુસ્ટન સ્કૂલ ડિસ્ટ્રિક્ટે શુક્રવારે તમામ જાહેર શાળાઓ બંધ રાખી હતી. આ સ્કૂલો હવે સોમવારે ખોલવામાં આવશે. પ્રતિકલાક 110 માઇલની ઝડપે ફુકાયેલા પવનથી ટેક્સાસના રહેવાસીઓએ આશરે એક સપ્તાહ સુધી વીજળી વગર રહેવું પડશે.
ખરાબ હવામાનના કારણે શહેરના બે મુખ્ય એરપોર્ટ પર ફ્લાઈટ્સ ગ્રાઉન્ડ કરાઈ હતી. બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટ પર 60 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
હ્યુસ્ટનના મેયર જ્હોન વ્હાઇટમારે ગુરુવારે રાત્રે જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતાં. પ્રતિ કલાક 100 માઇલની ઝડપે પવન સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું. તેમણે લોકોને ઘરમાં જ રહેવાની વિનંતી કરી છે. હ્યુસ્ટનમાં રોડવે પર અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.
હ્યુસ્ટન ફાયર ચીફ સેમ્યુઅલ પેનાએ જણાવ્યું હતું કે વૃક્ષો પડવાથી બેના મોત થયા હતા અને ક્રેન તૂટી પડવાથી અન્ય બે લોકોના મોત થયા હતા. પ્રતિ કલાસ 70 માઇલની ઝડપથી ફંકાયેલા પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ હતા અને બહુમાળી ઇમારતોની બારીઓ ઉડી ગઈ હતી ભારે પવનથી પાવર લાઈનોના ટ્રાન્સમિશન ટાવર તૂટી ગયા હતા. વૃક્ષો ધરાશાયી થવાથી રસ્તાઓ બ્લોક થયા હતા હ્યુસ્ટન મેટ્રોમાં 8 લાખ ઘરો અને બિઝનેસમાં વીજળી સપ્લાય બંધ થયો હતો.