બોટાદ નજીકના સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે દર્શાવતા ભીંતચિત્રોના વિવાદનો ગત સોમવારે અંત આવ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તક્ષેપ બાદ વડતાલ સ્વામિનારાયણમંદિરના સંપ્રદાયના સંતોએ રાતોરાત વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી લીધા હતા અને તેની જગ્યાએ નવા ચિત્રો લગાવી દીધા હતા.
સાળંગપુરના મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિની નીચે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કેટલાંક ભીંતચિત્રો બનાવાયા હતા, જેમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના દાસ તરીકે ચિત્રિત કરાયા હતા. જેના લીધે સનાતની સાધુ સંતો નારાજ થયા હતા અને તેમણે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સનાતન ધર્મના સંતો અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે સતત 4 દિવસ ચાલેલા વિવાદમાં છેવટે ગત સોમવારે સરકારે હસ્તક્ષેપ કરી મામલો થાળે પાડવાની ફરજ પડી હતી.
ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને સોમવારે વડતાલના સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભસ્વામી, મંદિરના અન્ય સાધુઓ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રીઓ હાજર રહ્યા હતા ઉપરાંત આ બેઠકમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. દોઢ કલાક ચાલેલી બેઠક પૂર્ણ થયા બાદ વડતાલ સંપ્રદાયના સંતો મુખ્યપ્રધાનના નિવાસસ્થાનથી રવાના થયા હતા.
તે પછી અમદાવાદમાં આવેલા શિવાનંદ આશ્રમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સંતો સાથે બેઠક યોજી હતી. બે કલાક સુધી બેઠક ચાલેલી બેઠકમાં વડતાલ ગાદીના કોઠારી ડો. સંત વલ્લભદાસ સ્વામી અને સાળંગપુરના કોઠારી વિવેક સાગરદાસ સ્વામી હાજર રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ તરફથી અશોક રાવલ, અશ્વિન પટેલ, સ્વામિનારાયણ સંપ્રદાયના પુરુષોત્તમચરણ શાસ્ત્રી, એસજીવીપીના બાલઅગમ સ્વામી, સનાતની ચૈતન્ય શંભુ મહારાજ, પરમાત્માનંદજી, શિવાનંદ આશ્રમના ટ્રસ્ટી જીતુભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા. જો કે, કેટલાક સાધુ-સંતો ટેલિફોનિક અને મોબાઈલથી લાઈવ પણ જોડાયા હતા.
વડતાલના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભસ્વામીએ જણાવ્યું હતું કે, શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ ધર્મના આચાર્યો સંતો તથા વડતાલ ગાદીના વડીલ સંતોની સદ્દભાવના બેઠક યોજાઈ હતી. જે બે કલાક ચાલી હતી. આ બેઠકમાં દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદજી સરસ્વતી મહારાજ તથા વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનું માર્ગદર્શન મળ્યું હતું.
વડતાલ પીઠાધીશ્વર આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનો સ્પષ્ટ મત છે કે – સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સનાતન ધર્મનો જ એક ભાગ છે અને વૈદિક ધર્મની પરંપરાઓ અને પૂજા પદ્ઘતિઓ, હિન્દુ આચારોનું આદરપૂર્વક પાલન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનો અંગ હોવાથી સમાજની લાગણીઓને દુભાવવા ઇચ્છતું નથી તેથી અમે એ જણાવીએ છીએ કે સાળંગપુર મંદિર ખાતેના જે ભીંતચિત્રોથી લાગણી દુભાણી છે તે ભીંતચિંત્રોને કાલે સૂર્યોદય થતા પહેલા ઉતારી લેવામાં આવશે.
સમાજમાં સમરસતા જળવાઇ રહે તે માટે બીજા બધા વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે વિશ્વ હિન્દુ ૫રિષદ, સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ પ્રવાહો તથા હિન્દુ સનાતન ધર્મના આચાર્યો, સંતો સાથે વિચાર પરામર્શ બેઠક ટૂંક સમયમાં યોજાશે. અને સમાજમાં વિસંવાદિતતા દૂર કરવા માટે અમે કટિબદ્ઘ છીએ. આ ઉદેશ્યને પૂર્ણ કરવા માટે દ્વારકાપીઠાધીશ્વર શંકરાચાર્ય મહારાજ સ્વામી સદાનંદ સરસ્વતીજી તેમજ વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે બેઠક કરવામાં આવશે. વડતાલ પીઠાધિશ્વર આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તેમજ વડીલ સંતોએ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આદેશ આપ્યો છે કે કોઇએ વિવાદાસ્પદ વાણીવિલાસ કરવો નહી. વિશ્વ હિન્દ પરિષદ સંતોના ચરણોમાં તથા હિન્દુ સમાજને પ્રાર્થના કરે છે કે આ વિવાદનો પૂર્ણ ઉકેલ લાવવા માટે સક્રીય પહેલ થયેલી છે. તેથી સૌ કોઇ સમાજની સમરસતા તૂટે તેવા નિવેદનો ન કરે.
સાળંગપુરના વિવાદાસ્પદ ભીંતચિત્રોને લઇને સનાતન ઘર્મના સાધુ-સંતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ભીંતચિત્રો દૂર કરવામાં ન આવતાં સંત સંમેલનમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, સ્વામિનારાયણ મંદિરે જઈશું નહીં, સ્વામિનારાયણના સંતો સાથે સ્ટેજ પર નહીં બેસીએ. સનાતન ધર્મમાંથી સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ વિવાદનો કોઇ નીવેડો ન આવતાં સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો.
દરમિયાન, સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોની તોડફોડ કરનારા હર્ષદ ગઢવીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. અન્ય આરોપી જેસિંગ અને બળદેવ ભરવાડનો પણ જામીન પર છૂટકારો થયો છે. કોર્ટે 10 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા હતા.