ભારતમાં આગામી વર્ષે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. આ રાજ્યોમાં મતદાતાના સરવે બાદ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશ, મણીપુર, ગોવા અને ઉત્તરાખંડમાં ભાજપ ફરી સત્તામાં આવી શકે છે. જ્યારે પંજાબમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે.
ટીવી ચેનલ એબીપી સી વોટર્સના ઓપિનિયન પોલના દાવા મુજબ પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટો પક્ષ બનીને ઉભરી શકે છે. સરવે અનુસાર યોગી આદિત્યનાથની આગેવાનીમાં ભાજપ ઉત્તર પ્રદેશમાં 41.3 ટકા વોટ શેર મેળવી શકે છે. જ્યારે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને 32 ટકા મત મળી શકે છે. માયાવતીના પક્ષ બસપાને 15 ટકા મત મળશે તેવો દાવો કરાયો છે. છ ટકા મતો સાથે કોંગ્રેસ ચોથા ક્રમે રહેશે.
પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટો પક્ષ હશે પણ વિધાનસભા ત્રિશંકુ રહેશે, જેમાં આપ 36 ટકા મતો સાથે પ્રથમ, કોંગ્રેસ 32 ટકા મતો સાથે બીજા અને શિરોમણી અકાળી દળ 22 ટકા મતો સાથે ત્રીજા ક્રમે રહેશે. ભાજપ ચોથા ક્રમે ધકેલાય તેવી શક્યતાઓ છે.
ઉત્તરાખંડમાં ભાજપને 45 ટકા, કોંગ્રેસને 34 ટકા, આપને 15 ટકા મતો મળી શકે છે. ગોવામાં ભાજપને 24થી 28 બેઠકો, કોંગ્રેસને 1થી 5 બેઠક, આપને 3થી 7 બેઠક મળવાનું અનુમાન છે. તેવી જ રીતે મણીપુરમાં ભાજપને 21થી 25 બેઠક, કોંગ્રેસને 18થી 22 બેઠક મળવાનું અનુમાન છે.