બ્રિટનમાં ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ કોરાના વાઇરસની વેક્સિનના ક્લિનિક ટ્રાયલને અટકાવ્યા બાદ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પણ કોવિડ-19ની વેક્સીન ‘કોવિશીલ્ડ’ના પરીક્ષણની કામગીરીને અટકાવી દીધી છે. દેશભરમાં જુદી જુદી 17 જગ્યાએ વેક્સીનનું ટેસ્ટિંગ થઈ રહ્યું હતું.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું જણાવ્યું હતું કે અમે સ્થિતિની સમીક્ષા કરી રહ્યાં છીએ અને એસ્ટ્રાઝેનેકાના ટ્રાયલ શરૂ કરવા સુધી ભારતમાં આ ટ્રાયલ અટકાવી રહ્યાં છીએ.સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, અમે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના નિર્દેશોનું પાલન કરી રહ્યાં છીએ. કંપનીએ આ નિર્ણય ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ની નોટિસ બાદ લીધો છે. DCGIએ સીરમ ઈન્સ્ટિટ્યૂટને સવાલ કર્યો હતો કે, તેને એ કેમ ના જણાવ્યું કે, એસ્ટ્રાઝેનેકાએ આ વેક્સીનની ટ્રાયલ અટકાવી દીધી છે. એસ્ટ્રાઝેનેકાએ ઓક્સફર્ડ યુનિવર્સિટીના રિસર્ચર્સ સાથે મળીને આ વેક્સીન તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે. શોકોઝ નોટિસ ફટકારતા DCGIએ જણાવ્યું હતું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટે વેક્સીન ટ્રાયલને લઈને નવી જાણકારી આપી નથી. અગાઉ મંગળવારે ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ કોરોના વાઇરસની વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલની કામગીરીને સ્વૈચ્છિક રીતે અટકાવી દીધી હતી. ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ થયેલા એક સ્વયંસેવકને અણધારી બિમારી થતા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. એસ્ટ્રાઝેનેકા યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના સહયોગમાં આ વેક્સીન વિકસાવી રહી છે અને તે કોવિડ-19 વેક્સીન માટેની વૈશ્વિક સ્પર્ધામાં મોખરાના સ્થાને છે.