અમેરિકાની ફાર્મા કંપની ફાઇઝર પછી હવે ભારતની કંપની સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાએ પણ પોતાની કોરોના વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DCGI)ની સોમવારે મંજૂરી માગી છે. પૂણે સ્થિત સીરમ દુનિયાની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની છે, જે ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાના સહયોગમાં કોવિશીલ્ડ વેકિસન બનાવી રહી છે.
સીરમના વડા અદર પૂનાવાલાએ સોમવારે સવારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે સીરમે પ્રથમ મેઇડ-ઇન- ઇન્ડિયન વેક્સિન કોવિશીલ્ડના ઇમર્જરન્સી ઉપયોગ માટે અરજી કરી છે. તેનાથી અનેક લોકોના જીવ બચાવી શકાશે. હું ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમૂલ્ય સપોર્ટ માટે આભાર માનું છું.
અગાઉ ફાઇઝર ઇન્ડિયાએ ભારત સરકાર પાસે પોતાની વેક્સિનની ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માગી હતી. ફાઇઝરને અગાઉ બ્રિટન અને બહેરીનમાં ઇમર્જરન્સી ઉપયોગની પરવાનગી મળી ચુકી છે. સીરમે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ સાથે મળીને કોવિશીલ્ડની ત્રીજા તબક્કાની ક્લીનીકલ ટ્રાયલ કરી હતી. આ વેક્સિને સિનિયર સિટિઝન્સમાં અને ખાસ તો કોવિડ 19ના દર્દીઓમાં સારી અસર કરી હતી. અત્યાર સુધીમાં સીરમે કરેલી ચાર ટ્રાયલમાં બે બ્રિટનમાં અને એક એક ભારત તથા બ્રાઝિલમાં કરી હતી.