ડ્રગ્સના મુદ્દે લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. મોદી સરકાર ડ્રગના વેપાર અને તેના નફામાંથી ઉદ્ભવતા આતંકવાદ પર ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે.
ચર્ચામાં દરમિયાનગીરી કરતા અમિત શાહે કહ્યું કે આ ગુનાની કોઈ સરહદ નથી. ગમે ત્યાં બેઠેલી વ્યક્તિ ડ્રગ્સ મોકલે છે અને આપણા બાળકો ફસાઈ જાય છે. આ દરમિયાન તેમણે ડર્ટી મની, ટેરરિઝમ, પેગાસસ અને ડ્રગ્સ અંગે માહિતી આપી હતી. પ્રવચન દરમિયાન વચ્ચે વિપક્ષના સભ્યોએ વચ્ચે અટકાવતા તેમણે પોતાની આગવી શૈલીમાં જવાબ આપ્યો હતો.
અમિત શાહે બોલી રહ્યાં હતા ત્યારે વચ્ચે ટીએમસી સાંસદ સૌગત રોય ઊભા થઈને બોલવા લાગ્યા હતા. તેનાથી અમિત શાહે પોતાની સીટ પર બેસી ગયા અને કહ્યું કે દાદા પહેલા તમે બોલી લો. આ પ્રકારનો વ્યવહારુ તમારી ઉંમર અને કદને કારણે યોગ્ય નથી. વિષયની ગંભીરતા સમજવી જોઇએ. તેનાથી વિપક્ષે ગુસ્સે થયા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેના જવાબ આપતા અમિત શાહે જણાવ્યું હતું કે ગુસ્સે નથી થયો, પરંતુ સમજાવું છે. ઘણીવાર મોટાને પણ સમજાવવા પડે છે.
ગૃહપ્રધાને કહ્યું કે, આઝાદીના 75 વર્ષના પ્રસંગે અમે 60 દિવસમાં 75 હજાર કિલો ડ્રગ્સ સળગાવી દેવાનો ટાર્ગેટ રાખ્યો હતો અને મને જણાવતા આનંદ થાય છે કે અમે 1 લાખ 60 હજાર કિલોથી વધુ ડ્રગ્સ બાળી નાખ્યું છે. બે વર્ષમાં ગમે તેટલો મોટો ગુનેગાર હશે તો તે જેલના સળિયા પાછળ હશે. અમે 2019માં વિવિધ તબક્કામાં ચાર સ્તરની એન-કોડ સમિતિની રચના કરી છે. તેમાં જિલ્લાથી લઇને કેન્દ્ર સુધી સંકલન કરવામાં આવે છે. અમે 472 જિલ્લામાં મેપિંગ કરીને
ડ્રગના સપ્લાયના માધ્યમો શોધી કાઢ્યા છે અને તેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત થઈ રહ્યું છે. ગુજરાતમાંથી મોટાપાયે ડ્રગ્સની જપ્તી અંગે વિપક્ષની ટીકાનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે જે રાજ્યમાંથી સૌથી વધુ ડ્રગ્સ જપ્ત થાય તે રાજ્યમાં સૌથી વધુ ડ્રગ્સ છે તેવો અર્થ ન કાઢી શકાય. આનો અર્થ એવો છે કે તે રાજય સૌથી વધુ સારી કામગીરી કરે છે.