ભારત સાથેના રાજદ્વારી વલણમાં મોટા પરિવર્તનનો સંકેત આપતાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન મુહમ્મદ ઇશાક ડારે રવિવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે વેપાર સંબંધો ફરી ચાલુ કરવા ગંભીરતાથી વિચારણા કરશે. બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો ઓગસ્ટ 2019થી સ્થગિત છે.
બ્રસેલ્સમાં ન્યુક્લિયર એનર્જી સમિટમાં ભાગ લીધા બાદ લંડનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડારે આ ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નાણાભીડનો સામનો કરી રહેલા પાકિસ્તાનનો બિઝનેસ સમુદાય ભારત સાથે વેપાર પ્રવૃતિઓ ફરી શરૂ કરવા માટે અધીરો બન્યો છે. પાકિસ્તાની ઉદ્યોગપતિઓ ઇચ્છે છે કે ભારત સાથે વેપાર ફરી શરૂ થાય. પાકિસ્તાન ભારત સાથે વેપાર સંબંધો ફરી ચાલુ કરવાની ગંભીરતાથી વિચારણા કરશે.
ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવા બંધારણની કલમ 370 નાબૂદ કર્યા પછી બંને દેશોના સંબંધો ખરાબ બન્યાં હતાં. પાકિસ્તાન આગ્રહ કરી રહ્યું છે કે સંબંધો સુધારવાની જવાબદારી ભારત પર છે અને ભારતે મંત્રણા શરૂ કરવા માટે કાશ્મીરમાં પૂર્વવત સ્થિત લાવવી પડશે. ભારતે આવી શરતને ફગાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીર દેશના અભિન્ન અને અવિભાજ્ય વિસ્તાર છે. સંબંધો વણસેલા હોવા છતાં બંને દેશો ફેબ્રુઆરી 2021માં અંકુશ રેખા પર યુદ્ધવિરામના કરારને રિન્યૂ કરવા સંમત થયા હતાં. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર એક પોસ્ટમાં શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડા બનવા બદલ અભિનંદન આપ્યાં હતાં