હાઇપ્રોફાઇલ હસ્તીઓ સાથે ઠગી કરવાના આરોપમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે કેજરીવાલ સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈને તેમની પાસેથી રૂ.10 કરોડની ખંડણી વસૂલી હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના ઉપરાજયપાલને પત્ર લખીને બીજા ઘણા ગંભીર આક્ષેપ કર્યા છે.
પત્રમાં જણાવ્યું છે કે AAP નેતા સત્યેન્દ્ર જૈને જેલમાં સુરક્ષા પૂરી પાડવાના બહાને 2019માં તેમની પાસેથી 10 કરોડ રૂપિયાની ખંડણી વસૂલી હતી. ચંદ્રશેકરના આક્ષેપોથી AAP અને BJP વચ્ચે રાજકીય વાકયુદ્ધ ચાલુ થયું હતું.
ભાજપે AAPને “મહાઠગ” પાર્ટી ગણાવીને કહ્યું હતું કે એક ઠગ બીજા ઠગી કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આક્ષેપોને ફગાવતા કહ્યું હતું કે તે ગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટના પરથી ધ્યાન હટાવવાનો આ પ્રયાસ છે.
રૂ.200 કરોડના મની લોન્ડરિંગ કેસના કનેક્શનમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ ચંદ્રશેખરે 8 ઓક્ટોબરે એલજી વી કે સક્સેનાને તેમના એડવોકેટ અશોક કે સિંઘ મારફત આ પત્ર સુપરત કર્યો હતો. આ પત્રમાં AAP સામે ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. એલજી ઓફિસના સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રશેખરનો પત્ર એલજી ઓફિસને મળ્યો હતો અને 18 ઓક્ટોબરે જરૂરી કાર્યવાહી માટે દિલ્હી સરકારના મુખ્ય સચિવને મોકલવામાં આવ્યો હતો.
પત્રમાં આક્ષેપ છે કે ચંદ્રશેખરને પાર્ટીમાં મહત્વપૂર્ણ હોદ્દો આપવાના અને રાજ્યસભાની બેઠક માટે મદદ કરવાનું વચન આપીને AAPએ રૂ.50 કરોડ લીધા હતા. સત્યેન્દ્ર જૈને તિહાર જેલમાં ચંદ્રશેખરને પણ મળ્યા હતા.
સત્યેન્દ્ર જૈને જેલ મંત્રાલયનો પણ હવાલો ધરાવે છે. તિહાર જેલ દિલ્હી સરકારના કાર્યક્ષેત્ર આવે છે. પત્રમાં આક્ષેપ કરાયો છે કે 2019માં ફરીથી સત્યેન્દ્ર જૈન, તેમના સેક્રેટરી અને તેમના નજીકના મિત્ર સુશીલ દ્વારા જેલમાં મારી મુલાકાત લેવામાં આવી હતી અને મને જેલમાં સુરક્ષિત રાખવા અને મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે દર મહિને તેમને બે કરોડ રૂપિયા આપવાનું કહ્યું હતું. જૈને મને ડીજી જેલ સંદીપ ગોયલને રૂ. 1.50 કરોડ ચૂકવવા કહ્યું હતું, જેઓ તેમના વફાદાર સહયોગી હતા. તેમણે મને પૈસા ચૂકવવા દબાણ કર્યું અને બે-ત્રણ મહિનામાં સતત દબાણ કરીને મારી પાસેથી રૂ. 10 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. કોલકાતામાં જૈનના સહયોગીઓ દ્વારા આ રકમ એકત્ર કરવામાં આવી હતી. સત્યેન્દ્ર જૈનને કુલ રૂ. 10 કરોડ અને ડીજી જેલ સંદીપ ગોયલને રૂ. 12.50 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.