રવિવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પુરી થયેલી ટેનિસની ગ્રાંડ સ્લેમ ટેનિસ સ્પર્ધા ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરૂષોની સિંગલ્સમાં સર્બીઆના નોવાક જોકોવિચે રેકોર્ડ આઠમી વખત આ સ્પર્ધાનો તાજ ધારણ કર્યો હતો. તો મહિલા સિંગલ્સમાં અમેરિકાની 21 વર્ષની સોફિયા કેનિન ઓસ્ટ્રેલિયન ઓપનની નવી ચેમ્પિયન બની છે. જોકોવિચે રેકોર્ડ આઠમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ટ્રોફી સાથે17મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ મેળવ્યું છે. તેણે થીએમને પાંચ સેટના જંગમાં 6-4, 4-, 2-6, 6-3, 6-4થી હરાવ્યો હતો. મુકાબલો 3 કલાક 59 મિનિટ ચાલ્યો હતો.
બંન્ને હરીફો વચ્ચે અત્યાર સુધી 11 મુકાબલા થયા છે, તેમાંથી 7 વખત જોકોવિચનો વિજય થયો છે. જો કે, છેલ્લી 5 મેચમાંથી 4 વખત થીએમને સફળતા મળી હતી, પરંતુ રવિવારે જોકોવિચે તેને હરાવ્યો હતો. જોકોવિચે 1 ફ્રેન્ચ વખત ઓપન, પાંચ વખત વિમ્બલ્ડન અને 3 વખત ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ હાંસલ કર્યું છે. જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાનો ફાઈનલનો અણનમ રેકોર્ડ જાળવી રાખી આઠમી વખત ટ્રોફી પોતાના નામે કરી હતી.
મુગુરૂઝાને હરાવી સોફિયા કેનિન ચેમ્પિયનઃ શનિવારે મહિલા સિંગલ્સની ફાઈનલમાં સ્પેઈનની ગાર્બિન મુગુરૂઝાને હરાવી અમેરિકાની સોફિયા કેનિને પોતાનું પ્રથમ ગ્રાંડ સ્લેમ ટાઈટલ હાંસલ કર્યું હતું.
15મો ક્રમાંક ધરાવતી કેનિને મુગુરૂઝાને 4-6, 6-2, 6-2થી હરાવી હતી. આ મેચ બે કલાક ત્રણ મિનિટ ચાલી હતી. સોફિયાએ પ્રથમવાર કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં રમી સીધી સફળતા મેળવી હતી. ઓસ્ટ્રેલિયા ઓપનમાં આ તેનું ત્રીજું વર્ષ હતું. 2018માં પ્રથમ અને 2019માં બીજા રાઉન્ડમાં હારીને તે બહાર થઈ ગઈ હતી. મુગુરૂઝા અત્યારસુધી બે ગ્રાન્ડસ્લેમ ટાઇટલ – 2016માં ફ્રેન્ચ ઓપન અને 2017માં વિમ્બલ્ડન જીતી ચુકી છે.