વૈશ્વિક બજારોના હકારાત્મક સંકેતને પગલે ભારતના મુઘ્ય શેરબજાર, મુંબઈમાં ગુરુવારે (21 જાન્યુઆરી) રેકોર્ડ નોંધાયો હતો. બીએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ સવારના ટ્રેડિંગ દરમિયાન સૌ પ્રથમ વખત 50,000ની સપાટી કુદાવી ગયો હતો. ઇન્ટ્રા-ડે 300 પોઇન્ટ્સ ઉછળીને સેન્સેક્સ 50,126.73ની લાઇફ ટાઇમ હાઇ સપાટીએ ગયો હતો.
અહીં સુધી પહોંચતા સેન્સેક્સે 35 વર્ષની સફર ખેડી છે. આ સાથે જ સ્ટોક માર્કેટમાં રોકાણકારોની સંપત્તિ લગભગ 200 લાખ કરોડ રૂપિયા પહોંચી ગઇ છે. 1990માં સેન્સેક્સ પહેલીવાર 1000ને પાર થયો હતો. જોકે બજારે નવા શિખરે પહોંચ્યા બાદ રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. તેનાથી સેશનના અંતે સેન્સેક્સ 167.36 પોઇન્ટ્સ અથવા 0.34 ટકા ઘટીને 49,624.76 પોઇન્ટ્સે બંધ રહ્યો હતો. એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 54.35 પોઇન્ટ્સ અથવા 0.37 ટકા ઘટીને 14,590.35એ બંધ રહ્યો હતો.