ગુજરાત ભાજપના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન જય નારાયણ વ્યાસે શનિવારે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને હવે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. તેઓ 28 ઓક્ટોબરે રાજસ્થાનના મુખ્યપ્રધાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતને મળ્યા હતા. ત્યારથી તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો હતી.
વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. પાટણ જિલ્લાની સિદ્ધપુર બેઠકનું પ્રતિનિધિત્વ કરતાં જય નારાયણ વ્યાસ 32 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા હતા અને તેઓ છેલ્લા ઘણા સમયથી પક્ષથી નારાજ હતા.
તેમણે પાટણ જિલ્લામાં પક્ષના સંગઠન તેમજ આંતરિક ખટપટોથી કંટાળી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે પક્ષ સાથે તેમને કોઈ વાંધો નથી, પરંતુ જિલ્લમાં જે સ્થિતિ છે તે યોગ્ય નથી. પાટણના પક્ષ સંગઠનમાં રહેલી સમસ્યા અંગે પોતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું ધ્યાન પણ દોર્યું હોવાનો ઉલ્લેખ કરતાં જય નારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, પાટીલને રજૂઆત કર્યા બાદ પણ સ્થિતિમાં ખાસ સુધારો નહોતો થયો અને વારંવાર તેમને આ બાબતે પ્રદેશ પ્રમુખને વાત કરવાનું ઉચીત ના લાગતા આખરે તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો.
જય નારાયણ વ્યાસ 1990થી ઉત્તર ગુજરાતની સિદ્ધપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યા છે. તેઓ 1990, 1995, 1998માં ચૂંટણી જીત્યા હતા. જોકે, 2002માં કોંગ્રેસના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતે તેમને હરાવ્યા હતા. ત્યારબાદ 2007માં થયેલી ચૂંટણીમાં જય નારાયણ વ્યાસ ફરી જીત્યા હતા, પરંતુ જીતનું માર્જિન ઘણું ઓછું હતું. 2012 અને 2017માં પણ ભાજપે જય નારાયણ વ્યાસને સિદ્ધપુર બેઠક પરથી ટિકિટ આપી હતી, પરંતુ તેઓ ચૂંટણી નહોતા જીતી શક્યા.
તેઓ છેલ્લા ઘણા સમયથી પક્ષ વિરુદ્ધ સીધી કે આડકતરી રીતે પોતાની નારાજગી વ્યક્ત હતી. જોકે, વ્યાસે આવી કોઈ વાત ના હોવાનો દાવો કર્યો હતો. હવે તેમણે રાજીનામું આપ્યું છે, પરંતુ ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે જેને જોતા તેઓ જલ્દી કોઈ પક્ષમાં જોડાય તેવી પુરી શક્યતા છે.