અમેરિકાની સેનેટે તાજેતરમાં ન્યૂયોર્કના સાઉથ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે ઇન્ડિયન અમેરિકન એટર્ની અરુણ સુબ્રમણ્યમની નિમણૂકને મંજૂરી આપી છે. તેઓ ન્યૂયોર્કની ડિસ્ટ્રીક્ટ કોર્ટના ન્યાયમૂર્તિ પદે નિમણૂક પામેલા પ્રથમ સાઉથ એશિયન વ્યક્તિ છે. સેનેટે 7 માર્ચના રોજ 37 વિરુદ્ધ 58 વોટથી અરુણ સુબ્રમણ્યમની નિમણૂકને મંજૂરી આપી હતી.
સેનેટર ચાર્લ્સ સ્કૂમરે આ અંગેની જાહેરાત કરી હતી. તેઓ એલિસન જે. નાથનનું સ્થાન લેશે.સેનેટ મેજોરિટી લીડર સેનેટર સ્કૂમરે વધુમાં જણાવ્યું હતું કે, “અરુણ સુબ્રમણ્યનના નામને SDNY (સધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂયોર્ક) ન્યાયમૂર્તિ તરીકે મંજૂરી આપી છે. તેઓ ભારતીય ઇમિગ્રન્ટ્સના પુત્ર છે. તેમણે પોતાની કારકિર્દીને લોકોની લડત માટે સમર્પિત કરી છે. અગાઉ સપ્ટેમ્બર 2022માં અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને આ કોર્ટમાં સુબ્રમણ્યમની નિમણૂક માટે તેમની પસંદગી કરી હોવાની જાહેરાત કરી હતી.
અરુણ સુબ્રમણ્યમનો જન્મ વર્ષ 1979માં પેન્સિલવેનિયાના પિટ્સબર્ગમાં થયો હતો. તેમના માતા-પિતા 1970ના દસકાની શરૂઆતમાં ભારતથી અમેરિકા આવીને સ્થાયી થયા હતા.તેમના પિતાએ ઘણી કંપનીઓમાં કંટ્રોલ સીસ્ટમ એન્જિનિયર તરીકે કામ કર્યું હતું અને તેમની માતાએ પણ બૂકકીપર નોકરી કરતી હતી. અરુણ સુબ્રમણ્યમે વર્ષ 2001માં કેસ વેસ્ટર્ન રીઝર્વ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સ અને અંગ્રેજીમાં સ્નાતકની ડિગ્રી મેળવી. આ ઉપરાંત 2004માં કોલમ્બિયા લો સ્કૂલમાંથી જ્યુરિસ ડોક્ટર (જે.ડી.)ની ડિગ્રી મેળવી હતી. અત્યારે તેઓ ન્યૂયોર્ક સુસમાન ગોડફ્રે એલએલપીમાં ભાગીદાર તરીકે કાર્યરત છે, ત્યાં તેઓ 2007થી કામ કરે છે.તેમણે 2006થી 2007 દરમિયાન યુએસ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રૂથ બેડર ગિન્સબર્ગના લો ક્લાર્ક તરીકે પણ કામ કર્યું હતું.