યુકે આવતા લોકો માટે નવા પગલાં જાહેર: 14 દિવસ સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડશે

0
672
Home Secretary, Priti Patel
Priti Patel (Photo by Christopher Furlong/Getty Images)

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે શુક્રવારે તા. 22 મે, 2020ના રોજ કોરોનાવાયરસ ચેપના બીજા મોજા સામે રક્ષણ આપવા માટે તા. 8 જૂનથી યુકે આવતા લોકો માટે નવા પગલાં જાહેર કર્યા છે. જેમાં યુકેમાં પ્રવેશતા કોઈપણ વિદેશી નાગરીક માટે 14 દિવસના સેલ્ફ આઇસોલેશનનો સમાવેશ છે.

જેમ જેમ યુકેમાં ટ્રાન્સમિશન રેટ ઘટતો જાય છે અને આવતા મહિનામાં યુકેમાં આવતા મુસાફરોની સંખ્યામાં વધારો થવાથી આયાતી કેસો વધુ મોટો ખતરો પેદા કરી શકે છે અને તેને કારણે યુકેમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યાનુ પ્રમાણ ઉંચુ જઇ શકે છે તથા રોગનો ફેલાવો પણ વધે છે.

સરકાર યુકે આવનારા તમામ મુસાફરોને કોન્ટેક્ટ લોકેટર ફોર્મ ભરવા જણાવશે. જેથી તેઓ, અથવા તેમની સાથે સંપર્કમાં રહ્યા હોય તેવા કોઈને રોગ લાગે તો તેમનો સંપર્ક કરી શકાય. યુકેમાં આવતા મુસાફરોને 14 દિવસ માટે સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડશે અને તેનુ પાલન કરાવવા આ સમયગાળા દરમિયાન તેમનો નિયમિતપણે સંપર્ક કરાશે. ફરજિયાત શરતોનું પાલન કરવામાં નિષ્ફળ રહેનાર કોઈપણને કાયદેસર કાર્યવાહીનો સામનો કરવો પડશે. સેલ્ફ આઇસોલેશનનો ભંગ કરનાર વ્યક્તિને ઇંગ્લેન્ડમાં £1,000નો નિયત દંડ અથવા સંભવિત કાર્યવાહી અને અમર્યાદિત દંડની સજા કરાશે. જો વિદેશથી આવતા લોકો થકી ચેપનું જોખમ વધશે તો દંડનું સ્તર વધી શકે છે.

બોર્ડર ફોર્સ દ્વારા યુકેની બોર્ડર અને એરપોર્ટ પર તપાસ હાથ ધરાશે. કોઈ પણ બીન-બ્રિટીશ નાગરિક કે નોન-રેસીડેન્ટ આ નિયમોનું પાલન કરવાનો ઇનકાર કરશે તો તેને દેશમાં પ્રવેશ અપાશે નહિ. ફોર્મ ભરવામાં નિષ્ફળ રહેનારને £100ની ફીક્સ પેનલ્ટી ફટકારવામાં આવશે અને સેલ્ફ આઇસોલેશનની આવશ્યકતાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે ઇંગ્લેન્ડમાં રેન્ડમ તપાસ કરાશે.

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે ‘’કોરોનાવાયરસ રોગચાળાથી બચાવવા માટે આપણે ભવિષ્ય તરફ ધ્યાન આપવું જોઈએ અને બ્રિટીશ જનતાને આપણી સરહદ ઓળંગને આવતા ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ઘટાડીને દેશવાસીઓનું રક્ષણ કરવું જોઈએ. અમે ટ્રાન્સમિશન રેટને નીચે રાખવા અને વિનાશક બીજા ઉથલાને રોકવા માટે આ નવા પગલાઓ રજૂ કરી રહ્યા છીએ. મને સંપૂર્ણ અપેક્ષા છે કે મોટાભાગના લોકો યોગ્ય કાર્ય કરશે અને આ પગલાંનું પાલન કરશે. પરંતુ અમે અન્ય લોકોની સુરક્ષાને જોખમમાં મૂકતા લઘુમતી લોકો સામે કાર્યવાહી કરીશું.”

હોમ ઑફિસના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર જોન એસ્ટનએ કહ્યું હતું કે “વૈજ્ઞાનિક સલાહ સ્પષ્ટ છે. યુકેમાં વાયરસનું નોંધપાત્ર કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું છે. જોકે, યુકેમાં વાયરસનો ફેલાવો હવે ઓછો થઈ રહ્યો છે. અમે રીપ્રોડક્શન નંબર ‘આર’ પર કાબુ મેળવવામાં સફળ રહ્યા છીએ જે અત્યારે 1ની નીચે છે.

આવનારા મુસાફરોને સામાજિક અંતર માર્ગદર્શિકાઓ સહિતની વિવિધ માહિતી ફ્લાઇટમાં અને એરાઇવલ ખાતે પત્રિકાઓ, મેસેજીસ અને પોસ્ટરો દ્વારા ઉપલબ્ધ રહેશે. જે સામગ્રી અંગ્રેજી અને 9 અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ થશે.

આવનારા મુસાફરોની સેલ્ફ આઇસોલેશનની વ્યવસ્થા જરૂરી આવશ્યકતાઓને પૂર્ણ કરતી નહી હોય તો તેમને સરકાર દ્વારા ગોઠવાયેલી સુવિધાઓમાં સેલ્ફ આઇસોલેટ થવુ પડશે. શક્ય હોય ત્યાં સુધી આવા લોકોએ પોતાની કાર જેવા વ્યક્તિગત વાહનનો ઉપયોગ કરવો પડશે અને ત્યાં પહોંચ્યા પછી તેઓ 14 દિવસ માટે તેમના આવાસને છોડી શકશે નહીં. આનો અર્થ એ કે તેઓ પોતાના કામ, શાળા અથવા જાહેર સ્થળોએ જઇ શકશે નહિ, જાહેર પરિવહન અથવા ટેક્સીઓનો ઉપયોગ કરશે નહિ કે ખોરાક અથવા અન્ય આવશ્યક ચીજો ખરીદવા જઇ શકશે નહિં. તેમને એનએચએસ કોવિડ-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.