ભારતમાં રાજદ્રોહની કલમને સ્થગિત કરવાનો ઐતિહાસિક આદેશ સુપ્રીમ કોર્ટે બુધવારે આપ્યો છે. કોર્ટે ભારત સરકાર અને અરજદારની દલીલ સાંભળ્યા પછી આ કાયદાને સ્થગિત કરવાની સાથે સાથે નવા કેસ દાખલ કરવા પર પણ મનાઇ ફરમાવી છે.
ક્રિમીનલ પ્રોસિજર કોડ (CRPC)ની કલમ 124A અંતર્ગત આ કેસ નોંધાય છે. જુલાઈના ત્રીજા સપ્તાહમાં આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે ત્યાં સુધી ભારત સરકારને આ અંગે ફરીથી વિચાર કરવા માટે કહેવાયું છે. કોર્ટે જણાવ્યું કે, આ સમય દરમિયાન કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ અંગે સૂચના આપી શકે છે.
સુપ્રીમ કોર્ટમાં રાજદ્રોહ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતા કેસ મામલે સુનાવણી થઈ હતી. આ દરમિયાન સરકારના પક્ષે સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કોર્ટને જણાવ્યું કે, તેમણે રાજ્ય સરકારો માટે બહાર પડનારા નિર્દેશનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. તે પ્રમાણે રાજ્ય સરકારોને સ્પષ્ટ નિર્દેશ હશે કે, જિલ્લા પોલીસ વડા કે તેનાથી ઉચ્ચ સ્તરના અધિકારીની મંજૂરીની રાજદ્રોહની કલમોમાં ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે. આ દલીલ સાથે સોલિસિટર જનરલે કોર્ટને કહ્યું કે, અત્યારે આ કાયદા પર રોક ન લગાવવામાં આવે.
સોલિસિટર જનરલે કોર્ટને એમ પણ જણાવ્યું કે, પોલીસ અધિકારી રાજદ્રોહની જોગવાઈઓ અંતર્ગત ફરિયાદ દાખલ કરવાના સમર્થનમાં પૂરતા કારણો પણ જણાવશે. તેમણે જણાવ્યું કે, કાયદા પર ફરીથી વિચાર કરવા સુધીના વૈકલ્પિક ઉપાય શક્ય છે.
અરજદારના વકીલ કપિલ સિબ્બલે કોર્ટ સમક્ષ એવી માગણી કરી હતી કે, રાજદ્રોહના કાયદા પર તાત્કાલિક અસરથી મનાઇ ફરમાવવાની જરૂર છે. આ તમામ દલીલો સાંભળ્યા પછી કોર્ટે રાજદ્રોહ કાયદાના ઉપયોગ પર મનાઇ ફરમાવી છે. કોર્ટે જણાવ્યું કે, નાગરિકોના અધિકારોની રક્ષા સર્વોચ્ચ છે.
આ કાયદાનો દુરૂપયોગ થઈ રહ્યો છે. તેની પુષ્ટિ એટર્ની જનરલે પણ પોતાના મંતવ્યોમાં સ્પષ્ટ જણાવી છે.
ઉલ્લેખનીય છે કે, ત્રમ જજની બેંચ રાજદ્રોહ કલમની માન્યતા અંગે સુનાવણી કરી રહી છે. આ બેંચમાં મુખ્ય ન્યાયમૂર્તિ એનવી રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીનો સમાવેશ થાય છે.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)