પહેલી ટી-20 મેચમાં ભારતીય બોલર્સ ખાસ પ્રભાવશાળી નહોતા જણાયા, ત્યારે બેટિંગે રંગ રાખી રેકોર્ડ રન-ચેઝમાં વિજય હાંસલ કર્યો હતો, તો રવિવારે (26 જાન્યુઆરી) ઓકલેન્ડમાં રમાયેલી બીજી ટી-20માં ભારતીય બોલર્સે પણ પોતાની કાબેલિયત દર્શાવી યજમાન ટીમને 20 ઓવર્સમાં 132 રન જ કરવા દીધા હતા અને પછી બેટ્સમેને તે ટાર્ગેટ આસાનીથી હાંસલ કરી ભારતને પાંચ ટી-20ની સીરીઝમાં 2-0ની મહત્ત્વની સરસાઈ સાથે મજબૂત સ્થિતિમાં મુકી દીધું હતું.
133 રનના ખાસ પડકારજનક ના કહી શકાય તેવા ટાર્ગેટ સામે કે. એલ. રાહુલે અણનમ 57 અને શ્રેયસ અય્યરે 44 રન કરી ભારતને સાત વિકેટે વિજયી બનાવ્યું હતું. લોકેશ રાહુલને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
ટોસ જીતીને ન્યૂઝિલેન્ડે પહેલા બેટિંગ કરી 5 વિકેટે 132 રન કર્યા હતા, તેની સામે ભારતીય ટીમે 17.3 ઓવરમાં 3 વિકેટે 135 રન કરી નાખ્યા હતા. ભારતીય ટીમ માટે ન્યૂઝિલેન્ડ સામે પ્રથમવાર સતત બે ટી-20માં વિજય છે.
ટીમને રોહિત શર્મા અને રાહુલ પાસેથી સારી શરૂઆતની આશા હતી, પરંતુ રોહિતે નિરાશ કર્યા હતા. રોહિત માત્ર 8 રન કરી સાઉથીનો શિકાર થયો હતો. એ પછી છઠ્ઠી ઓવરમાં સુકાની વિરાટ કોહલી પણ ટીમ સાઉથીનો શિકાર બન્યો હતો. કોહલી ફક્ત 11 રન કરી શક્યો હતો.
શ્રેયસ અય્યર લોકેશ રાહુલે શાનદાર બેટિંગ કરી ભારતને વિજયની નજીક પહોંચાડ્યું હતું. ત્રીજી વિકેટની ભાગીદારીમાં બન્નેએ 86 રન કર્યા હતા. રાહુલની આ સતત બીજી મેચમાં અડધી સદી રહી હતી. અય્યર 33 બોલમાં 1 ફોર અને 3 સિક્સ સાથે 44 રન કરી આઉટ થયો હતો. રાહુલ 50 બોલમાં 57 રન કરી અણનમ રહ્યો હતો. તેણે ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા માર્યા હતા. શિવમ દુબે 8 રને અણનમ રહ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 5 વિકેટે 132 રન કર્યા હતા. માર્ટિન ગપ્ટિલે 33 અને ટીમ સેફર્ટે અણનમ 33 કર્યા હતા. કોલિન મનરોએ 26, રોસ ટેલર અને કેપ્ટન કેન વિલિયમસને 14-14 રન કર્યા હતા. રવીન્દ્ર જાડેજાએ બે અને બુમરાહ, શાર્દુલ તથા શિવમ દુબેએ એક-એક વિકેટ ઝડપી હતી.
ન્યૂઝીલેન્ડની ગપ્ટિલ અને મનરોની ઓપનિંગ જોડીએ 6 ઓવરમાં 48 રન કર્યા હતા. છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર શાર્દુલે ગપ્ટિલને પેવેલિયન ભેગો કર્યો હતો. એ પછી, ભારતીય બોલર્સે 33 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. દુબેએ મનરોને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. મનરો 26 રન કરી આઉટ થયો હતો. જાડેજાએ 13મી ઓવરમાં ગ્રાન્ડહોમને આઉટ કર્યો હતો. જાડેજાએ 11મી ઓવરમાં બોલિંગ શરૂ કરી સતત બે ઓવરમાં ગ્રાન્ડહોમ (3) અને કેપ્ટન કેન વિલિયમસન (14)ને આઉટ કર્યા હતા. યજમાન ટીમ છેલ્લી ચાર ઓવરમાં ફક્ત 23 રન કરી શકી હતી. ટિમ સીફર્ટે 26 બોલમાં અણનમ 33 રન કરતાં ન્યૂઝીલેન્ડ કઈંક સારા સ્કોર સુધી પહોંચી શક્યું હતું.
ઐયર-રાહુલની આક્રમક બેટીંગ, પ્રથમ ટી-20માં ભારતનો 6 વિકેટે વિજય
શ્રેયસ ઐયરના ૨૯ બોલમાં અણનમ ૫૮ તેમજ રાહુલના ૨૭ બોલમાં ૫૬ રન સાથે ભારતે ન્યૂઝીલેન્ડને શ્રેણીની પ્રથમ ટી-૨૦માં એક ઓવર બાકી હતી ત્યારે છ વિકેટે હરાવી શાનદાર વિજય મેળવ્યો હતો. ૨૦૪ રનનો ટાર્ગેટ ભારતે ૧૯ ઓવરમાં ચાર વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો. શ્રેયસ ઐયરે પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે અણનમ ૫૮ રન કર્યા હતા. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. વિજય માટે ૨૦૪ રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમને શરૂઆતમાં જ ઝાટકો લાગ્યો હતો. રોહિત શર્મા ૭ રન કરી પાછો ફરતા ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી.
રાહુલ અને કોહલી જવાબદારીપૂર્વક બેટિંગ કરી ટીમને લક્ષ્ય તરફ આગળ દોરી ગયા હતા. તેઓએ માત્ર ૫૧ બોલમાં ૯૯ રનની ભાગીદારી કરી રન-રેટ જાળવી રાખ્યો હતો. રાહુલે ૨૭ બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૫૬ રન કર્યા હતા. તે સોઢીની ઓવરમાં સાઉથીના હાથે ઝડપાયો હતો.
રાહુલ પછી કોહલીની સાથે શ્રેયસ ઐયર જોડાયો હતો. રાહુલની વિદાય પછી કોહલી પણ લાંબુ ટકી શક્યો નહોતો અને ૩૨ બોલમાં ૪૫ રન કરી ટિક્નેરનો શિકાર બન્યો હતો. એ પછી દુબે પણ ૯ બોલમાં ૧૩ રન કરી આઉટ થયો હતો. આ તબક્કે ભારતને 6.4 ઓવરમાં 62 રન કરવાના હતા, જીત મુશ્કેલ લાગતી હતી, ત્યારે ઐયર અને પાંડેએ નિર્ણાયક બેટિંગ કરી બાજી પલ્ટી નાખી હતી. બન્નેએ ૩૪ બોલમાં અણનમ ૬૨ રન કરી ટીમને વિજેતા બનાવી હતી. ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે ટોસ જીતી પહેલા ન્યૂઝીલેન્ડને બેટિંગમાં ઉતાર્યું હતું. ગપ્ટિલ અને મનરોએ ૪૭ બોલમાં ૮૦ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. મનરો ૫૯ રનના સ્કોરે ઠાકુરનો શિકાર બન્યો હતો. તેણે ૪૨ બોલમાં ૬ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. એ પછી જાડેજાએ ગ્રાન્ડહોમની વિકેટ ખેરવતા ન્યૂઝીલેન્ડ ૧૧૭ રનમાં ત્રણ વિકેટ ગુમાવી ચૂક્યું હતું. વિલિયમસન અને ટેલરે અડધી સદીઓ સાથે ચોથી વિકેટની ભાગીદારીમાં ૬૧ રન ફક્ત ૨૮ બોલમાં કર્યા હતા.