ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ગયા સપ્તાહે અમદાવાદમાં રમાઈ ગયેલી ત્રણ વનડે મેચની સીરીઝમાં પ્રવાસી ટીમને 3-0થી ધરાશાયી કરી હતી. શુક્રવારે (11 ફેબ્રુઆરી) ત્રીજી મેચ વન-ડેમાં ભારતે 96 રને વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. આ મેચમાં ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતી પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ 265 રન કરી છેલ્લી ઓવરમાં ઓલાઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી શ્રેયસ ઐયરે 80, રીષભ પંતે 56, વોશિંગ્ટન સુંદરે 33 અને દીપક ચાહરે 38 રન કરી ટીમને લડાયક સ્કોર આપ્યો હતો. એક તબક્કે 42 રનમાં ત્રણ અને પછી 187 રનમાં છ વિકેટ ભારતે ગુમાવી દીધી હતી ત્યારે ટીમ 225 રન સુધી પણ પહોંચી શકશે કે કેમ તે શંકાસ્પદ જણાતું હતું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે ચાર, અલ્ઝારી જોસેફ અને હેડન વોલ્શે 2-2 વિકેટ લીધી હતી.
ભારતના 265 રનના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ તો ફક્ત 169 રનમાં ઓલાઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલર્સે વેસ્ટ ઇન્ડિઝ આ મેચમાં પણ શાનદાર દેખાવ કર્યો હતો. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 3-3 વિકેટ લીધી હતી, તો દીપક ચાહર અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. કેરેબિયન્સ તરફતી ઓડીઅન સ્મિથે 36 અને સુકાની નિકોલસ પૂરને 34 રન કર્યા હતા.
ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલરોએ સસ્તામાં ત્રણ વિકેટ ઝડપી લીધી હતી. અલઝારી જોસેફે તો એક જ ઓવરમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને પેવેલિયન ભેગા કરી દીધા હતા. કોહલી તો ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. શિખર ધવન પણ 10 રન કરી ઓડીઅન સ્મિથનો શિકાર બન્યો હતો. એ પછી રીષભ પંત અને શ્રેયસે બાજી સંભાળી હતી. તે ઉપરાંત દીપક ચાહર અને વોશિંગ્ટન સુંદરે સારો પ્રતિકાર કર્યો હતો.
બીજી વન-ડેમાં કેરેબિયન્સનો 44 રને પરાજયઃ તે અગાઉ, બુધવારે (9 ફેબ્રુઆરી) રમાયેલી બીજી વન-ડેમાં ભારતે પ્રવાસીઓને 44 રને હરાવી સીરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી હતી.
વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન પોલાર્ડ અનફીટ હોવાથી તેના સ્થાને પૂરણે કેપ્ટનની જવાબદારી સંભાળી હતી. વેસ્ટ ઈંડિઝે ટોસ જીતી ભારતને પ્રથમ બેટિંગ લેવા આમંત્રણ આપ્યું હતું. ભારતે સૂર્યકુમાર યાદવના ૬૪ અને કે. એલ. રાહુલના ૪૯ રન સાથે ૯ વિકેટે ૨૩૭ રન કર્યા હતા.
ભારતનો આ સ્કોર ખાસ પ્રભાવશાળી તો નહોતો જ. પણ પ્રસિદ્ધ ક્રિષ્નાની વેધક, કેરિયર બેસ્ટ બોલિંગ (૯ ઓવર, ૩ મેઈડન, ૧૨ રન, ચાર વિકેટ) તથા બાકીના બોલર્સના પણ શાનદાર દેખાવ પછી પ્રવાસી ટીમ ૪૬ ઓવર્સમાં ૧૯૩ રન સુધી જ પહોંચી શકી હતી. ભારતે છ બોલર્સનો ઉપયોગ કર્યો હતો અને બધાને વિકેટ મળી હતી.
વેસ્ટ ઈન્ડિઝે ૭૬ રનમાં પાંચ વિકેટ ગુમાવી દેતા તેનો પરાજય નિશ્ચિત હતો. પણ બ્રુક્સે ૪૪ અને અકીલ હુસેને ૩૪ રન સાથે છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં ૪૦ રન કર્યા હતા. એ પછી નવમી વિકેટની ઓડીઅન સ્મિથ (૨૪) અને અલઝારી જોસેફની ભાગીદારીએ ૩૪ રન ઉમેરી મેચ રોમાંચક બનાવી હતી.