કોંગ્રેસ અને AAP વચ્ચે દિલ્હી, ગુજરાત અને હરિયાણામાં બેઠક-વહેંચણીની સમજૂતીને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને તેની ટૂંકસમયમાં જાહેર થવાની શક્યતા છે. ગુજરાતની કુલ 26 બેઠકોમાંથી અરવિંદ કેજરીવાલની પાર્ટી ભરૂચ અને ભાવનગરની લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે, જ્યારે બાકીની બેઠકો પર કોંગ્રેસ લડશે.
આ મહિનાની શરૂઆતમાં, આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) સંદીપ પાઠકે તેમણે ભરૂચ લોકસભા બેઠક પરથી AAPના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ગુજરાતની ભાવનગર બેઠક પરથી બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને પક્ષના ઉમેદવાર જાહેર કર્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કોગ્રેસના ભૂપૂર્વ વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પુત્ર અને પુત્રી ભરૂચ બેઠક માટે દાવેદાર માનવામાં આવે છે.
દિલ્હીની સાતમાંથી AAP ચાર અને કોંગ્રેસ ત્રણ બેઠકો લડશે. કોંગ્રેસે હરિયાણામાં AAPને એક આપવાનો નિર્ણય કર્યો છે, AAPના સૂત્રોએ જણાવ્યું હતું કે AAP દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી અને નવી દિલ્હી બેઠકો પરથી ઉમેદવારો ઉભા કરશે, રાષ્ટ્રીય રાજધાનીની તમામ સાત લોકસભા બેઠકો હાલમાં ભાજપ પાસે છે.
અગાઉ, આમ આદમી પાર્ટીએ આસામમાં તેના ત્રણ લોકસભા ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેમાં દિબ્રુગઢથી મનોજ ધનોવર, ગુવાહાટીથી ભાબેન ચૌધરી અને સોનિતપુર મતવિસ્તારમાંથી ઋષિ રાજનો સમાવેશ થાય છે. લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા છે.