ચાન્સેલર ઋષિ સુનકની ‘ઇટ આઉટ ટુ હેલ્પ આઉટ’ રેસ્ટોરન્ટ ડિસ્કાઉન્ટ યોજના જોરદાર રીતે સફળ થયા બાદ યુકે સરકાર કોરોનાવાયરસ લૉકડાઉનના પગલે અસર પામેલા થિયેટરો અને અન્ય મનોરંજન સ્થળોને ફરીથી ખોલવામાં સહાય આપવા માટે કહેવાતી ‘સીટ આઉટ ટુ હેલ્પ આઉટ’ યોજના રજૂ કરવાની તૈયારી કરી રહી છે.
ધ સન્ડે ટાઇમ્સના અહેવાલ મુજબ આ ઓફર થકી અસરગ્રસ્ત મનોરંજન ક્ષેત્રને વેગ આપવામાં આવશે અને વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને કલ્ચર સેક્રેટરી ઓલિવર ડોઉડેન આ માટે ઉત્સુક છે અને તેમણે અધિકારીઓને ઝડપથી રણનીતિ તૈયાર કરવા અને ભારે ગતિએ કામ કરવા નિર્દેશ આપ્યા છે. આ સ્કીમમાં થિયેટરો અને નજીકના રેસ્ટોરન્ટ્સ વચ્ચે જોડાણ કરી £10માં જે તે શો જોવાનો અને શો પહેલા કે પછી ભોજન કરવાનો લાભ મળશે.
આ માટે થીએટર નજીકની સ્થાનિક રેસ્ટોરન્ટની લિંક પણ આપવામાં આવશે. સુનકે તેમની ‘ઇટ આઉટ ટુ હેલ્પ આઉટ’ યોજનાને ઉત્સાહથી સ્વીકારવા અને હજારો નોકરીઓને બચાવવામાં મદદ કરવા બદલ લોકોનો આભાર માન્યો હતો. આ યોજના અંતર્ગત 100 મિલિયનથી વધુ ભોજન પીરસવામાં આવ્યું હતું.
કોરોનાવાયરસના ફેલાવા પર નિયંત્રણ રાખવા માટેના લોકડાઉન પ્રતિબંધોને તબક્કાવાર રીતે ઉપાડવા માટે યુકે સરકારના રોડમેપ હેઠળ, તા. 1 નવેમ્બરથી સોસ્યલ ડિસ્ટન્સીસ નિયમો દૂર થઈ શકે છે. કેટલાક મોટા સ્થળો ફરી ખુલી શકશે. થિયેટરો અને રમતગમતનાં સ્થળો સરકારના ઑપરેશન મૂનશોટ કાર્યક્રમના મુખ્ય લાભાર્થી બનશે. જેનો હેતુ નવા લાળ આધારીટ ટેસ્ટ દ્વારા એક જ દિવસમાં 4 મિલિયન લોકોનો ટેસ્ટ કરવાનો છે. જે મિનિટોમાં જ રીઝલ્ટ આપી શકે છે. આ દરખાસ્તો પર કામ કરવામાં આવી રહ્યું છે. તેના થકી નાટકો અને ફૂટબૉલ મેચની ટિકિટ ધરાવતી વ્યક્તિઓ અગાઉથી અને ઇવેન્ટ પછી ટેસ્ટ કરવામાં આવશે.
સામાજિક અંતર જાળવવાના વર્તમાન નિયમો મુજબ કલ્ચરલ સ્થળોએ માસ્ક પહેરવા જરૂરી હોવાથી થિયેટરો ફક્ત 25 ટકા લોકોને જ પ્રવેશ આપી શકે છે. આર્થિક રીતે પરવડે તે માટે આ ક્ષમતા 70થી 80 ટકાની વચ્ચે હોવી જરૂરી છે. મોટા રમત-ગમતના સ્થળો 60 ટકા ભરાય તે જરૂરી છે. સુનકે પહેલેથી જ થિયેટરો, સંગ્રહાલયો અને અન્ય સાંસ્કૃતિક સંસ્થાઓને નાદારીથી બચાવવા માટે કલ્ચરલ રીકવરી ફંડ માટે £1.57 બિલીયનનું ભંડોળ ફાળવ્યું છે. ક્રિસમસ પહેલા સરકાર આ યોજનાઓને અમલમાં મુકવા વિચારે છે.