ટાટા જૂથના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતના નિધન બાદ સમગ્ર દેશમાં રોડ સેફ્ટી મામલે ચર્ચા જાગી છે ત્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ વાહનમાં બેસતા તમામ મુસાફરો માટે સીટબેલ્ટ બાંધવાનું ફરજિયાત બનાવાની જાહેરાત કરી છે. હવેથી કારમાં બેસતાં લોકો માટે સીટ બેલ્ટ પહેરવાનું ફરજિયાત રહેશે. પાછળની સીટ પર સીટ બેલ્ટ નહિ પહેરતા લોકો માટે તે પહેરવાનું ફરજિયાત રહેશે. જો તેઓ આવું નહિ કરે તો તેમને દંડ ફટકારવામાં આવશે. આગામી ત્રણ દિવસમાં આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે.
ગડકરીએ કહ્યું હતું કે ભારતમાં માર્ગ અકસ્માતમાં યુવાઓનું સૌથી વધુ મોત થાય છે. ૧૮-૩૪ વર્ષના યુવાઓ માર્ગ અકસ્માતોનો ભોગ બને છે. છેલ્લાં આઠ વર્ષોમાં હું માર્ગ અકસ્માતો ઘટાડવામાં સફળ રહ્યો નથી. આ એક જ ક્ષેત્ર એવું છે કે જ્યાં હું સફળ રહ્યો નથી.‘આગામી ત્રણ દિવસોમાં અમે જાહેરાત કરીશું કે જો કારમાં પાછળની સીટ પર બેસેલી કોઇ વ્યક્તિ સીટ બેલ્ટ નહિ પહેરે તો તેને દંડ ફટકારવામાં આવશે. સાયરસ મિસ્ત્રીના અકસ્માત બાદ મેં નક્કી કર્યું છે કે પાછળની સીટમાં હવે ડ્રાઇવર સીટની જેમ જ સીટ બેલ્ટ પહેરવાનું ફરજિયાત રહેશે. હવે જો સીટ બેલ્ટો પહેરવામાં નહિ આવે તો પેનલ્ટી લાગૂ પડશે.’તેમણે કહ્યું હતું કે ‘ડ્રાઇવરની સીટની જેમ પાછળની સીટ માટે પણ કારો અને એસયુવીમાં સીટ-બેલ્ટ રિમાઇન્ડર સિસ્ટમ પણ દાખલ કરાશે. પાછળની સીટ પર બેસેલા મુસાફરોને સીટ બેલ્ટ બાંધવાનું ફરજિયાત બનાવવાનો મતલબ એમ થયો કે કારમાં મુસાફરી કરતાં તમામે સીટ બેલ્ટ પહેરવાના રહેશે. નહિતર તેમને દંડનો સામનો કરવો પડશે.’
રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના અહેવાલ મુજબ માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુનું સૌથી મોટું કારણ વધુ પડતી ઝડપ છે. ૨૦૨૦માં માર્ગ અકસ્માતમાં થયેલા કુલ મૃત્યુમાં સૌથી વધુ હિસ્સો (૬૯.૩ ટકા) ઓવરસ્પીડિંગ અથવા વધુ પડતી ઝડપનો છે. કુલ ઇજામાં પણ તેનો હિસ્સો (૭૩.૪ ટકા) સૌથી વધુ છે.