ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં 21 ઓગસ્ટ સુધીમાં સરેરાશ 97.70 ટકા વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ કચ્છમાં સીઝનનો 151.94 ટકા વરસાદ ખાબક્યો હતો. ઉત્તર ગુજરાતમાં 97.51 ટકા વરસાદ નોંધાયો હતો. પૂર્વ મધ્ય ગુજરાતમાં 80.63 ટકા વરસાદ નોંધાયો હતા. સૌરાષ્ટ્રમાં 88.76 ટકા વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં 107.97 ટકા વરસાદ વરસ્યો હતો. આ વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં જ સીઝનનો 100 ટકા જેટલો વરસાદ પડવાની શક્યતા છે. ચોમાસુ બાકી હોવાથી ગુજરાતમાં 100 ટકાથી વધુ વરસાદ વરસવાની શક્યતા ઊભી થઈ હતી.
21 ઓગસ્ટે સવારે 6થી 22 ઓગસ્ટ સવારે 6 કલાક સુધીના વરસાદના આંકડાની વાત કરીએ તો રાજ્યના 42 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા, નવસારી, આણંદ, ખેડા, ડાંગ, અરવલ્લી, નવસારી, સુરત અને દાહોદ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તાપી અને છોટાઉદેપુર જિલ્લામાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં સરેરાશ વરસાદ 100 ટકાની નજીક પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત હવામાન વિભાગે 22 ઓગસ્ટે આગાહી કરી હતી કે રાજ્યમાં બે દિવસ ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. હવામાન વિભાગે બનાસકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. આગાહી પ્રમાણે, 23 ઓગસ્ટે પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, નવસારી, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું.
બુધવાર (17 ઓગસ્ટ) સુધીમાં રાજ્યમાં ચોમાસાની સીઝનનો કુલ 93 ટકા વરસાદ થયો હતો. 33 જિલ્લામાંથી 9 જિલ્લામાં 100 ટકા વરસાદ નોંધાયો હતો, 17 જિલ્લામાં 75-100 ટકા વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં આ વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ નોંધાયો હતો. સુરતમાં જુલાઈ-ઓગસ્ટમાં છેલ્લાં 20 વર્ષનો સૌથી વધુ રેકર્ડબ્રેક વરસાદ પડ્યો હતો. સુરતના તમામ તાલુકામાં કુલ 61 ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદની સરેરાશ ગણતરી કરીએ તો અત્યાર સુધીમાં 60.84 ઈંચ વરસાદ ખાબક્યો હતો.