ગુજરાતમાં 31 ઓક્ટોબરથી બે સ્થળેથી સી-પ્લેન સેવા શરૂ કરવાની યોજનાના ભાગરૂપે 26 ઓક્ટોબરે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેનનું લેન્ડિંગ થયું હતું.
કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી-પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરી છે. 26 ઓક્ટોબરે સી-પ્લેન ટેસ્ટિંગ માટે કેવડિયાથી અમદાવાદ આવી પહોંચ્યું હતું.
રવિવારે માલદીવ્સથી આ પ્લેન કોચી આવી પહોંચ્યું હતું અને ઈંધણ ભરવા માટે કોચી ઊતર્યું હતું. સી-પ્લેન ગોવાથી કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. અહીં આવ્યા બાદ સી-પ્લેનની ટ્રાયલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી સી-પ્લેનમાં બેસી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આવશે.