અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે દેશની પ્રથમ સી પ્લેન સેવા શરું કરવામાં આવી હતી. હાલ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવેલી આ સર્વિસને ફરી શરું કરતા પહેલા તેના બંને તરફના એરોડ્રોમ પર એરક્રાફ્ટ મોનિટરિંગ સ્ટેશન બનાવવામાં આવશે. ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા રિવરફ્રન્ટ પર હાલના વોટર એરોડ્રોમ ઓપરેશન સેન્ટરની ઉપર એક વધારાનું શેડ બનાવામાં આવશે, જેથી ફ્લાઈટના ટેકઓફ અને લેન્ડિંગમાં સરળતા રહે.
સૂત્રોએ જણાવ્યું હતું કે સી પ્લેન સેવા હાલમાં સ્થગિત છે અને સપ્ટેમ્બરમાં ફરી શરૂ થવાની શક્યતા છે. આ સેવા માટે મોનિટરીંગ પોસ્ટની જરૂરિયાત સમજાવતા એક અધિકારીએ કહ્યું કે સી પ્લેનનું સંચાલન વિઝ્યુઅલ ફ્લાઇટ રૂલ્સ (VFR) પર આધારિત છે. તેનો સીધો અર્થ એ છે કે વિમાન તેને ચલાવનાર ને સ્પષ્ટ દેખાય તેવી હવામાન પરિસ્થિતિઓમાં કાર્ય કરે છે. વાદળો, વરસાદ, ધુમ્મસ, લો વિઝિબિલિટી અને પ્રતિકૂળ હવામાન દરમિયાન આ સેવામાં અવરોધ ઉભા થાય છે.