સ્કોટલેન્ડમાં કાર અકસ્માતમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ થતાં તેમના માટે ફંડ આપવા ક્રાઉડફંડિંગ અપીલ કરવામાં આવી હતી. આ મદદનો ઉપયોગ તેમની સ્ટુડન્ટ લોન ભરવા અને તેમના પરિવારોને મદદ કરવા માટે કરવામાં આવશે.
સ્કોટિશ વેસ્ટ હાઇલેન્ડ્સમાં આર્ગીલના એપિન વિસ્તારમાં રજાઓ ગાળવા ગયેલા લેસ્ટર યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ અને અને સંસ્થાના સ્નાતકનું તા. 19ના રોજ કેસલ સ્ટોકર નજીક A828 ઓબાનથી ફોર્ટ વિલિયમ રોડ પર બપોરે 2.30 વાગ્યાની આસપાસ કાર અને ટ્રકની અથડામણમાં મૃત્યુ થયું હતું.
ઇન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એસોસિએશન, યુકેએ મૃત્યુ પામેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે ભંડોળ એકત્ર કરવાની શરૂઆત કરી છે. જેમાં £50,000ના લક્ષ્ય સામે £7754 એકત્ર કરાઇ ચૂક્યા છે. મોતને ભેટેલા લોકોમાં બેંગલુરુના ગીરીશ સુબ્રમણ્યમ (ઉ.વ. 23), હૈદરાબાદના પવન બશેટ્ટી (ઉ.વ. 23) અને આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના સુધાકર મોડેપલ્લી (ઉ.વ. 30) ઘટના સ્થળે જ મરણ પામ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ સાઈ વર્મા ચિલાકામરી (ઉ.વ. 24)ને એર એમ્બ્યુલન્સમાં ગ્લાસગોની ક્વીન એલિઝાબેથ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને હવે તે ખતરાની બહાર હોવાનું માનવામાં આવે છે. ટ્રક ડ્રાઈવરની ઘટના સંબંધમાં ધરપકડ કરાઇ હતી.
ગિરીશ અને સુધાકર લેસ્ટર યુનિવર્સિટીમાં ભણતા હતા. સુબ્રમણ્યમની માતા અરુણા કુમારીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે તેમને યુકે પોલીસ તરફથી આ દુર્ઘટના વિશે માહિતી આપતો ફોન આવ્યો હતો. અમે ગિરીશ સાથે 18 ઓગસ્ટની રાત્રે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે હિમવર્ષાવાળી જગ્યાએ જઈ રહ્યો છે અને બીજા દિવસે સવારે ફોન કરશે, પણ તે પછી તેનો કોલ ક્યારેય આવ્યો નથી.”
ગિરીશ, પવન અને સાઈ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી મેળવી રહ્યા હતા જ્યારે સુધાકર, જે પહેલેથી જ સ્નાતક થઈ ચૂક્યો હતો, તે લેસ્ટરમાં કામ કરતો હતો. અકસ્માતને પગલે માર્ગ 12 કલાક સુધી બંધ રહ્યો હતો. બે અઠવાડિયાથી ઓછા સમયમાં આ પ્રદેશના રસ્તાઓ પર નવ મૃત્યુ થયા છે.
એડિનબરાના ભારતના કોન્સ્યુલેટ જનરલ ભારતમાં પરિવારોના સંપર્કમાં છે અને મૃતદેહોને ઘરે પાછા લાવવામાં મદદ કરશે.